ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યારે ભાદરવા મહિનાની ગરમીએ લોકોને પરેશાન કર્યા છે. બુધવારે (23 સપ્ટેમ્બર) ભુજમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે આ સીઝનનું ઊંચું તાપમાન છે. આ સાથે જ રાજ્યના 47 તાલુકામાં વરસાદી ઝાપટાં પણ પડ્યા છે.
રાજ્યના અન્ય મુખ્ય શહેરોમાં પણ તાપમાન ઊંચું રહ્યું. અમદાવાદમાં 36.2 ડિગ્રી, રાજકોટમાં 37.5, સુરતમાં 34.3, વડોદરામાં 36.4, ભાવનગરમાં 36.8, ગાંધીનગરમાં 36 અને કંડલામાં 36.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના ઊના તાલુકામાં સૌથી વધુ 2.72 ઇંચ વરસાદ પડ્યો. અમરેલીના રાજુલામાં 2.60 ઇંચ, પોરબંદરના રાણાવાવમાં 2.36 ઇંચ, નવસારીમાં 2.24 ઇંચ અને વલસાડના ધરમપુરમાં 1.18 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે, જેથી ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે.
ચાલુ મોસમમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ 810 મિ.મી. વરસાદ થયો છે, જે વાર્ષિક સરેરાશના 89 ટકા છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ 114 ટકા વરસાદ થયો છે, જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 89 ટકા, સૌરાષ્ટ્રમાં 71.25 ટકા અને ઉત્તર ગુજરાતમાં 71 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો 57.60 ટકા વરસાદ કચ્છ ઝોનમાં થયો છે.