ગુજરાતમાં આજે 21 સપ્ટેમ્બરથી આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેલમાર્ક લો-પ્રેશરની અસરને કારણે ઠંડા પવન સાથે વરસાદી માહોલ જામી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં હાલ 7 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં 633.6 મીમી (24.94 ઇંચ) વરસાદ થયો છે, જ્યારે સામાન્ય વરસાદ 682.9 મીમી (26.88 ઇંચ) હોવો જોઈએ. ચોમાસુ હાલ રાજસ્થાનના જેસલમેર, નાગૌર, સીકર, રોહતક અને પટિયાલા વિસ્તારમાંથી વિદાય લઈ રહ્યું છે અને આગામી બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પણ ચોમાસાની વિદાય થવાની શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે. દાસના જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર 3.1થી 7.6 કિમીની ઊંચાઈ પર બનેલી છે. રાજ્યમાં પવન દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફથી આવી રહ્યો છે. બંગાળની ખાડીમાં એક વેલમાર્ક લો પ્રેશર એરિયા બનેલું છે, જે આગામી 24 કલાકમાં ડીપ્રેશનમાં અને ત્યારબાદના 24 કલાકમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ શકે છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 23 સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારે પહોંચશે.
આજે વીજળીના કડકાભડાકા સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વીજળીના કડકાભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે.
હવામાન વિભાગના પૂર્વ વૈજ્ઞાનિક એ.ટી. દેસાઈના જણાવ્યા મુજબ, ચોમાસાની વિદાયની શરૂઆત કચ્છથી 20 સપ્ટેમ્બરથી જ થઈ જવી જોઈએ, પરંતુ હજી થઈ નથી. આગામી 5 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ ગુજરાતમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો વિદાય થશે. અમદાવાદમાં 27 સપ્ટેમ્બરના રોજ ચોમાસું વિધિવત રીતે વિદાય લેશે.
રાજ્યના જળાશયો અને ડેમોની સ્થિતિ સંતોષજનક છે. સરદાર સરોવર નર્મદા ડેમ તેની કુલ ક્ષમતાના 97.23 ટકા એટલે કે 3,24,813 એમસીએફટી જેટલો ભરાયેલો છે. તે સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ 71.25% પાણીનો સંગ્રહ થયો છે, જેમાં 31 ડેમ 100% ભરાઈ ગયા છે, 38 ડેમ 70% થી 100% વચ્ચે ભરાયેલા છે અને 39 ડેમ 25% થી 50% વચ્ચે ભરાયેલા છે. પાણીની આવક અને જળસ્તરને ધ્યાને રાખીને રાજ્યના 45 ડેમોને હાઈ એલર્ટ, 13 ડેમોને એલર્ટ અને 11 ડેમોને વોર્નિંગ હેઠળ રાખવામાં આવ્યા છે.