આગામી 6 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેશર એરિયા વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે.
21 થી 23 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 24 સપ્ટેમ્બર પછી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે અને હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની અપેક્ષા છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, દેશમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રામગઢ, મોહનગઢ અને ફ્લોદી જેવા વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. આગામી 2થી 3 દિવસમાં રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી પણ ચોમાસું વિદાય લેશે. જોકે, કચ્છ-સૌરાષ્ટ્રમાં હજુ 22 ટકા વરસાદની ઘટ છે.
પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઉત્તર આંદામાન સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ યથાવત છે. તે પશ્ચિમ-ઉત્તર દિશામાં આગળ વધીને 21 સપ્ટેમ્બરે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર 'ડિપ્રેશન'માં અને 22 સપ્ટેમ્બરે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર 'ડીપ ડિપ્રેશન'માં ફેરવાવાની પ્રબળ શક્યતા છે. પશ્ચિમ-વાયવ્ય દિશામાં આગળ વધીને 23 સપ્ટેમ્બરની સવાર સુધીમાં તે ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓડિશાના કિનારા નજીક પહોંચી શકે છે.