સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ વધશે, 14 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ વધશે, 14 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ સક્રિય થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે તથા કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ મુજબ ઉત્તર-પશ્ચિમ તથા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને ઓડિશા-ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક લો-પ્રેશર એરિયા સક્રિય છે. આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે અને આગામી 24 કલાકમાં વધુ મજબૂત બની પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર રાજસ્થાનથી લો-પ્રેશર વિસ્તાર સુધીની ટ્રફ પણ સક્રિય છે. આગામી દિવસોમાં ગાજવીજ અને વીજળી સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. 16 અને 17 સપ્ટેમ્બરે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે.

12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

આવતીકાલથી 13 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ, ખેડા, આણંદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અનેક સ્થળોએ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.

14 સપ્ટેમ્બરે પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ભરૂચ, સુરત અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 15 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડ તથા દમણ, દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં એકંદરે 21% વરસાદની ઘટ નોંધાઈ છે. વિસ્તારવાર સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાત પ્રદેશમાં સામાન્ય વરસાદની સરખામણીએ 7%ની મામૂલી ઘટ જોવા મળી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં પરિસ્થિતિ વધુ ચિંતાજનક છે, જ્યાં સામાન્ય કરતાં 40% જેટલી વરસાદની મોટી તંગી સર્જાઈ છે.

દરિયાકાંઠાના શહેરો (દીવ, વેરાવળ, દ્વારકા, દમણ)નું સરેરાશ તાપમાન 31°C થી 33°C વચ્ચે રહ્યું છે, જ્યારે ભુજ, રાજકોટ, સુરેન્દ્રનગર, ડીસાનું તાપમાન 36°C વટાવી ગયું છે. રાજ્યના મુખ્ય શહેરો વચ્ચે તાપમાનનો તફાવત 5.6°C (ભુજ 36.6°Cથી દીવ 31.0°C) જેટલો રહ્યો છે.