ગુજરાતમાં આગામી 19 નવેમ્બર સુધી હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. લઘુત્તમ તાપમાનમાં આગામી દિવસોમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
તટીય વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેશે, જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થાય.
હાલમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનોને કારણે વાતાવરણમાં મિશ્ર અસર જોવા મળી રહી છે. જેના લીધે બપોરે ગરમી અને સવારે તથા રાત્રે ઠંડીનો અનુભવ થાય છે. આગામી 7 દિવસ સુધી તાપમાનમાં મોટા ઘટાડા કે ઠંડીમાં વિશેષ વધારાની સંભાવના નથી.
અમદાવાદ શહેરમાં આગામી 24થી 48 કલાક દરમિયાન આકાશ મુખ્યત્વે સાફ રહેશે અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાનું અનુમાન છે.
રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 38.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 4 ડિગ્રી વધુ છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી અને લઘુત્તમ 20.5 ડિગ્રી નોંધાયું છે. સૌથી નીચું તાપમાન અમરેલીમાં 16.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, જમ્મુ અને આસપાસના વિસ્તારોમાં 3.51 કિમીની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન રૂપે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. તેની અસરથી હાલ હવામાનમાં મિશ્ર પરિસ્થિતિ જોવા મળી રહી છે.