સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી: 5 જિલ્લામાં રેડ એલર્ટ, 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી: 5 જિલ્લામાં રેડ એલર્ટ, 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે વરસાદનું નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરાયા છે.

રેડ એલર્ટ: ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓ—બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી—માં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં કલાકના 15 મિમીથી વધુ વરસાદ, 41થી 61 કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને 60 ટકાથી વધુ વીજળી પડવાની સંભાવના છે.

ઓરેન્જ એલર્ટ: કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની આગાહી છે. અહીં કલાકના 5થી 15 મિમી મધ્યમ વરસાદ, 30થી 60 ટકા વીજળી પડવાની શક્યતા અને તેજ પવન ફૂંકાવાની સંભાવના છે.

યલો એલર્ટ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ—જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા એ નગર હવેલી—માં હળવા વરસાદ અને સામાન્ય થંડરસ્ટોર્મની સંભાવના છે. અહીં કલાકના 5 મિમીથી ઓછો વરસાદ, 40 કિમીથી ઓછી ઝડપે પવન અને 30 ટકાથી ઓછી વીજળી પડવાની શક્યતા છે.

તંત્રએ નાગરિકોને સાવચેત રહેવા, ખરાબ હવામાન દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવા અને વીજળીના ચમકારા સમયે ખુલ્લામાં કે વૃક્ષો નીચે ન ઊભા રહેવાની સલાહ આપી છે.

🕐 આ ઘટનાના અગાઉના અહેવાલ

18 Sep 2026, 03:17 AM ગુજરાતમાં વરસાદ: 4 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-ગાંધીનગરમાં ભારે વરસાદની ચેતવણી