ગુજરાતમાં એક વર્ષની પાણીની અછત દૂર કરવા માટે સરકારે તૈયારી શરૂ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે બેઠકમાં અંતિમ નિર્ણય લેવાની જાહેરાત કરી છે. તેમણે ખાતરી આપી છે કે એક વર્ષની પાણીની ઘટ પૂરી થશે. બીજી તરફ, ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને જરૂર પડશે તો અછત જાહેર કરાશે એમ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે. સરકાર દ્વારા જરૂરિયાત મુજબ દરેક જિલ્લામાં ઘાસચારો અને વધારાનું પાણી પણ આપવામાં આવી રહ્યું છે.
શિક્ષણમંત્રી રિવાબા જાડેજા પર નયનાબા જાડેજાએ પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે શિક્ષણમંત્રી રીલ બનાવવામાં હોશિયાર છે. શાળાઓમાં પ્રવેશ અને ફોટોગ્રાફી પરના નિયંત્રણો સામે તેમણે કહ્યું કે તમારી નિષ્ફળતા છુપાવવા પરિપત્ર લાવ્યા છે, શાળાઓ તમારા બાપાની છે?
CNGના ભાવમાં ₹4.45નો વધારો થયો છે, જેનો રિક્ષા-ટેક્સી ચાલકોએ વિરોધ કર્યો છે. તેમણે 28 ઓક્ટોબર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે કે ભાવવધારો પાછો ખેંચવો જોઈએ અથવા સબસિડી આપવી જોઈએ. માગણીઓ નહીં સંતોષાય તો ભૂખ હડતાલ, રેલી અને ચક્કાજામની ચીમકી પણ તેમણે આપી છે.
અન્ય સમાચારમાં, ઉધના રેલવે સ્ટેશન પર યાત્રીઓનો ધસારો નિયંત્રિત કરવામાં આવ્યો છે. દિવાળી-છઠ્ઠ પહેલા ઉધના સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેનોમાં UP-બિહાર અને બંગાળના 12થી 13 હજાર મુસાફરો વતન રવાના થયા છે. તહેવારો દરમિયાન પશ્ચિમ રેલવે 250 જેટલી સ્પેશિયલ ટ્રેનો દોડાવશે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ખાનગી સ્કૂલોની ફી ₹4.50 લાખ સુધી પહોંચી છે. કોંગ્રેસે વાલીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરી ફી વધારા સામે લડતની જાહેરાત કરી છે.
અમરેલીના આંબરડી ગામે પેટ્રોલ પંપ સામે LPG ભરેલું ટેન્કર પલટી જતાં અફરાતફરી મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડાયો છે. ફાયર ટીમની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી છે.
છોટાઉદેપુરના પાવી જેતપુરમાં પિતાએ 8 વર્ષના પુત્રની ગળું દબાવી હત્યા કરીને નદીમાં ફેંકી દીધો છે. ત્યારબાદ પિતાએ બ્લેડથી ગળું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરામાં ખાનગી કંપનીના સર્વર હેક કરીને ₹1.22 કરોડની સાયબર ઠગાઈ થઈ છે. સ્ટેટિક IP અને બેંકિંગ API કીનો દુરુપયોગ કરીને નાણાં ટ્રાન્સફર કરાયાં છે. સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી છે.
મોરબીમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામીના સાંનિધ્યમાં 17 મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ છે. સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.