ગાંધીનગરમાં વોકેશનલ ટ્રેનરોએ તેમના પગાર અને રજા-વેકેશનના મહેનતાણાને લઈને રજૂઆત કરી છે. પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ પણ કોઈ નક્કર પ્રક્રિયા હાથ ન ધરાતા ટ્રેનરોની ચિંતા વધી છે. તેમનો આક્ષેપ છે કે, ઓછું વેતન આપવામાં આવે છે અને જાહેર રજાઓ તથા વેકેશનના દિવસોનો પગાર પણ મળતો નથી, જેના કારણે રોજીંદી હાલાકી ભોગવવી પડે છે.
ટ્રેનરોના જણાવ્યા અનુસાર, અગાઉ ₹21,000 પગાર મળતો હતો, પરંતુ એજન્સીઓ બદલાતાં નિયમો પણ બદલાયા. હાલ રવિવાર અને જાહેર રજાના દિવસોનું મહેનતાણું મળતું નથી, જેના કારણે દરેક ટ્રેનરના હાથમાં માત્ર ₹14,000થી ₹15,000 જ આવે છે.
ગુજરાતમાં અંદાજે 4,000 જેટલા વોકેશનલ ટ્રેનરો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તેઓ માસિક ફિક્સ વેતન લાગુ કરવા અને એજન્સી પ્રથા નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. જો આ મુદ્દે નિકાલ નહીં આવે, તો આગળ આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.
આ અંગે અધિકારીઓએ ટૂંક સમયમાં કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.