સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતના 5 ગામોમાં જંક ફૂડ પર પ્રતિબંધ: પાણીપુરી પર પણ બેન, ₹10,000 સુધીનો દંડ

ગુજરાતના 5 ગામોમાં જંક ફૂડ પર પ્રતિબંધ: પાણીપુરી પર પણ બેન, ₹10,000 સુધીનો દંડ

ગુજરાતના પાંચ ગામોએ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નાસ્તાના પડીકા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ગામોમાં બનાસકાંઠાનું બાદરગઢ, રણાવાડા, મહેસાણાનું ચાણસોલ, ડાવોલ અને જૂનાગઢનું ચૂલડીનો સમાવેશ થાય છે. પ્રતિબંધનો ભંગ કરનાર વેપારી પર ₹1,000થી ₹10,000 સુધીનો દંડ થઈ શકે છે.

જૂનાગઢના માળિયાહાટી તાલુકાના ચૂલડી ગામે 15 દિવસ પહેલા ગ્રામજનો, સરપંચ અને વેપારીઓએ એકત્ર થઈને નિર્ણય લીધો કે ગામમાં ₹5-10માં વેચાતા નાસ્તાના પડીકા બંધ કરવા જોઈએ. ગામના સરપંચ દેવાયત નંદાણિયાએ જણાવ્યું, 'અમારા 2,400ની વસ્તી ધરાવતા ગામમાં 500થી વધુ બાળકોના આરોગ્યને નુકસાન થઈ રહ્યું હતું. પંચાયતની વિશેષ બેઠકમાં વેપારીઓને સમજાવ્યું કે બાળકો આપણી સંપત્તિ છે, તેમના સ્વાસ્થ્યની રક્ષા વેપારના નફા કરતાં વધુ મહત્ત્વની છે.' હવે ગામની એક પણ દુકાનમાં નાસ્તાનું પડીકું મળતું નથી.

ગ્રામજન પ્રફુલ રાઠોડે કહ્યું કે નાના ગામોમાં તબીબી સુવિધા મર્યાદિત હોય છે અને ચોમાસામાં હોસ્પિટલ પહોંચવું મુશ્કેલ બને છે, તેથી પડીકાંથી થતી બીમારી અટકાવવી જરૂરી હતી. તેમણે ઉમેર્યું, 'શરૂઆતમાં બાળકો જીદ કરે છે, પણ અમે ઘરમાં જ પૌષ્ટિક અને નવીન વાનગીઓ બનાવીને આપીએ છીએ, જેથી તેમની ટેવ ધીમે ધીમે બદલાઈ રહી છે.'

કરિયાણાની દુકાન ચલાવતા નાજાભાઈ પીઠિયાએ કહ્યું, 'વેપારમાં નુકસાન થાય છે, પણ બાળકોના સ્વાસ્થ્ય સામે તે કંઈ જ નથી. વાલીઓએ બહારના જંક ફૂડને બદલે ઘરનું પૌષ્ટિક ભોજન આપવું જોઈએ.'

મહેસાણાના ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામે તો પડીકા ઉપરાંત પાણીપુરી સહિતના ફાસ્ટફૂડ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ગ્રામસભામાં 15 ઓગસ્ટે આ નિર્ણય લેવાયો અને 22 ઓગસ્ટે વેપારીઓ સાથે રામદેવપીર મંદિરે બેઠક યોજાઈ. સરપંચ જીવણભાઈએ જણાવ્યું, 'અમારા ગામની વસ્તી 5,000 છે. પડીકા ખાવાથી બાળકો ખોરાક લેતા નહોતા અને તેમની તબિયત પર અસર થતી હતી. તેથી વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.' ગ્રામ પંચાયતે પ્રતિબંધ અંગેના બોર્ડ પણ લગાવ્યા છે.

આ નિર્ણયને કારણે આસપાસના ગામોમાંથી પણ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે અને અન્ય ગામો પણ આવા પગલાં લેવા પ્રેરાઈ રહ્યાં છે.