અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા અચાનક ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન મેસમાંથી એક્સપાયર થયેલી ખાદ્ય સામગ્રી મળી આવી હતી, જેને લઈને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને ભોજનની ગુણવત્તા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ABVPના સભ્યો દ્વારા કરવામાં આવેલા આ ચેકિંગમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં વપરાતી કેટલીક ખાદ્ય સામગ્રીની સમાપ્તિ તારીખ વીતી ગયેલી હોવાનું જણાયું હતું. આ અંગે ABVPએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે શિક્ષણ સંસ્થાઓની પ્રાથમિક જવાબદારીઓમાં વિદ્યાર્થીઓને સારું અને સુરક્ષિત ભોજન પૂરું પાડવાનો પણ સમાવેશ થાય છે.
ABVPએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભોજનની ગુણવત્તા અને સલામતી સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સ્વીકાર્ય નથી. તેમણે મેસ વ્યવસ્થાપન પર પ્રશ્નાર્થ ઉઠાવ્યો હતો અને ભોજનની ગુણવત્તા તથા ફૂડ સેફ્ટી પ્રોટોકોલ્સના નિયમિત પાલન પર ભાર મૂક્યો હતો. ABVPએ નિયત સમયે મેસમાં ખાદ્ય સામગ્રી અને ભોજનની ગુણવત્તાની નિયમિત તપાસ કરવાની માગ કરી છે.
વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે મેસ મેનેજમેન્ટમાં કડક દેખરેખ અને જવાબદારી સુનિશ્ચિત કરવી આવશ્યક છે. આ મામલે મેસ વ્યવસ્થાપન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર હવે સૌની નજર રહેશે.