સત્ય. સાહસ. સંકલ્પ.

જૂનું વાહન સ્ક્રેપ કરાવો, નવા વાહન પર વાહનવેરામાં 50% સુધી રાહત

જૂનું વાહન સ્ક્રેપ કરાવો, નવા વાહન પર વાહનવેરામાં 50% સુધી રાહત

ગુજરાત સરકારે વાહન સ્ક્રેપ પૉલિસીને વેગ આપવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં BS-I અને BS-II ધોરણના જૂના વાહનોને અધિકૃત રીતે સ્ક્રેપ કરાવીને નવું વાહન ખરીદનારને મોટર વ્હીકલ ટેક્સમાં 50 ટકા સુધીની રાહત મળશે. આ રાહત 31 માર્ચ 2027 સુધી જારી કરાયેલા 'સર્ટિફિકેટ ઑફ ડિપોઝિટ'ના આધારે મળશે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, સ્ક્રેપ પૉલિસીને લોકો તરફથી અપેક્ષિત પ્રતિસાદ ન મળતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 2 કરોડથી વધુ વાહનો નોંધાયેલા છે. વર્ષ 2022માં સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યમાં 41.20 લાખ વાહનો 15 વર્ષ કે તેથી વધુ જૂના છે. જોકે, BS-I અને BS-II વાહનોની અલગ સત્તાવાર સંખ્યા ઉપલબ્ધ નથી.

આ જોગવાઈ હેઠળ BS-I (અંદાજે વર્ષ 2000થી લાગુ) અને BS-II (અંદાજે વર્ષ 2005થી લાગુ) ધોરણના વાહનોને આવરી લેવાયા છે. જેમાં મુખ્યત્વે મીડિયમ-હેવી ગૂડ્સ વ્હીકલ્સ અને પેસેન્જર વ્હીકલ્સનો સમાવેશ થાય છે.

રાહતની ગણતરી કેવી રીતે થશે? ધારો કે નવી કારની કિંમત 10 લાખ રૂપિયા છે અને તેના પર 2.75 ટકા લેખે અંદાજે 27,500 રૂપિયા વાહનવેરો લાગુ પડે છે. તો પાત્ર જૂનું વાહન સ્ક્રેપ કરાવવા બદલ મળતી 50 ટકા રાહત બાદ આ રકમ ઘટીને 13,750 રૂપિયા થઈ શકે છે. ગુજરાતમાં ખાનગી વાહનો માટે લાઇફટાઇમ ટેક્સ સામાન્ય રીતે વાહનની મૂળ કિંમતના ટકાવારી આધારે વસૂલાય છે.

આ નિર્ણયની સૌથી મહત્વની બાબત 'સર્ટિફિકેટ ઑફ ડિપોઝિટ' છે. પાત્ર જૂનું વાહન અધિકૃત રીતે સ્ક્રેપ કરાવ્યા બાદ મળતું આ સર્ટિફિકેટ નવા વાહનની નોંધણી વખતે રજૂ કરવાનું રહેશે. તેના આધારે નિયમો મુજબ મોટર વ્હીકલ ટેક્સમાં કન્વેશનનો લાભ મળશે.

રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે જો સંબંધિત સ્ક્રેપ વાહન સામે અગાઉથી સર્ટિફિકેટ ઑફ ડિપોઝિટના આધારે ટેક્સ કન્વેશનનો લાભ અપાયો હોય, તો તે જ વાહન સામે ફરીથી આ જોગવાઈ હેઠળ કન્વેશન મેળવી શકાશે નહીં.