સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં 41 લાખ જૂના વાહનો, સ્ક્રેપ પોલિસી થઈ નિષ્ફળ

ગુજરાતમાં 41 લાખ જૂના વાહનો, સ્ક્રેપ પોલિસી થઈ નિષ્ફળ

ગુજરાતમાં 15 વર્ષથી વધુ જૂનાં 41.20 લાખથી વધુ વાહનો હજુ પણ રસ્તા પર દોડી રહ્યાં છે. આ વાહનો મુસાફરોની સલામતી અને પર્યાવરણ બંને માટે જોખમ છે. રાજ્ય સરકારે જૂનાં વાહનો ભંગારમાં આપવા માટે રોડ ટેક્સમાં રાહતની જાહેરાત કરી છે, તેમ છતાં આ પોલિસી અપેક્ષા મુજબ સફળ થઈ શકી નથી.

સત્તાવાર આંકડા પ્રમાણે, અમદાવાદમાં સૌથી વધુ 20.58 લાખ જૂનાં વાહનો નોંધાયાં છે. રાજકોટમાં 7.36 લાખ, સુરતમાં 2 લાખ અને વડોદરામાં 1.35 લાખથી વધુ વાહનો જૂની હાલતમાં છે. આ વાહનોમાં 6.34 લાખથી વધુ કાર, 1.76 લાખ ટ્રક, 1.11 લાખથી વધુ ટ્રેક્ટર અને 1.34 લાખથી વધુ પેસેન્જર રિક્ષા સામેલ છે.

નવી માર્ગદર્શિકા હેઠળ સરકારી વાહનો, એસટી બસો તથા નગરપાલિકા અને કોર્પોરેશનના જૂનાં વાહનોને તબક્કાવાર સ્ક્રેપ કરવામાં આવી રહ્યાં છે. ખાનગી વાહનો માટે 15 વર્ષ પછી ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને રી-રજિસ્ટ્રેશન ફી વધારવામાં આવી છે. છતાં જૂનાં વાહનોની સંખ્યામાં ઘટાડો થયો નથી.

આ પોલિસી નિષ્ફળ જવાનાં મુખ્ય કારણોમાં વાહન માલિકોને મળતું ઓછું આર્થિક વળતર પ્રથમ છે. જૂનું વાહન ભંગારમાં આપવા પર મળતી રકમ અને રોડ ટેક્સ રાહત એટલી આકર્ષક નથી કે સામાન્ય માણસ નવું મોંઘું વાહન ખરીદવા પ્રેરાય. નવા વાહનોના વધતા ભાવ અને મોંઘી લોનના હપ્તાને કારણે મધ્યમ વર્ગના પરિવારો જૂનું વાહન ચલાવવાનું પસંદ કરે છે.

બીજું કારણ સત્તાવાર સ્ક્રેપિંગ સેન્ટરોનો અભાવ છે. ઘણા વિસ્તારોમાં પૂરતાં સેન્ટર નથી અને વાહન જમા કરાવવાની તથા સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા જટિલ તેમજ સમય માંગી લેતી છે. સામે, સ્થાનિક ભંગાર બજારના વેપારીઓ જૂની ગાડીના સ્પેર પાર્ટ્સ વેચીને વાહન માલિકને વધુ રોકડ આપે છે અને કાગળિયાંની માથાકૂટ પણ નથી, જેથી લોકો ત્યાં જ જાય છે.

ત્રીજું કારણ ભાવનાત્મક જોડાણ છે. ભારતીય પરિવારો પોતાના વાહન સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હોય છે. ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને સ્થાનિક હેરફેર માટે 15 વર્ષ જૂનાં ટ્રેક્ટર કે વાહનો હજુ સારી સ્થિતિમાં કામ આપે છે, તેથી લોકો તેને ભંગારમાં કાઢવા તૈયાર થતા નથી.

આ સ્થિતિમાં, જૂનાં વાહનોને બદલે નવાં વાહનો ખરીદવા માટે વધુ આકર્ષક આર્થિક પ્રોત્સાહન અને સરળ પ્રક્રિયા જરૂરી છે, તો જ સ્ક્રેપ પોલિસીનો હેતુ સિદ્ધ થઈ શકશે.