રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગે શહેરી વિસ્તારોમાં રસ્તા, શેરી, જંકશન અને સાઇનેજ માટેની ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇન હેઠળ તમામ મહાનગરપાલિકાઓએ ચોમાસા પહેલા અને ચોમાસા પછી રસ્તા બનાવવા માટે સર્વે કરવાનો રહેશે. ઇજનેરી વિભાગને પણ આ ગાઇડલાઇન મુજબ કામ કરવાનું રહેશે.
ગાઇડલાઇનમાં 8 મીટરથી લઈને 60થી 100 મીટર પહોળા રસ્તાઓની ડિઝાઇન કેવી રીતે રાખવી તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે, જેથી રાહદારીઓને સરળતા રહે. રાજ્ય સરકારની ગાઇડલાઇન બાદ મ્યુનિસિપલ કમિશનરે ઇજનેરી વિભાગને આ ગાઇડલાઇન પ્રમાણે જ કામગીરી કરવા અને રસ્તા બનાવવા જણાવ્યું છે. રસ્તાની ગુણવત્તા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. રસ્તો બન્યા પછી મેનહોલ કે ડ્રેનેજ લાઇનનું લેવલ યોગ્ય કરવાનું રહેશે. રસ્તાની કોંગ્રેસ તૂટી હોય તો 15 દિવસમાં અને નાનું પેચ વર્ક 30 દિવસમાં સરખું કરવાનું રહેશે.
ડામરના હોટમિક્સથી બનતા રસ્તામાં કામ શરૂ કરતાં પહેલા કોન્ટ્રાક્ટર અને પીએમસીએ ગુણવત્તાની ખાતરી આપતો પ્લાન રજૂ કરવાનો રહેશે, જેને સક્ષમ અધિકારી મંજૂરી આપશે. હોટમિક્સ પ્લાન્ટ અને પેવર સાઇટ પર ગુણવત્તાના જાણકાર અધિકારીની હાજરી ફરજિયાત છે. હોટમિક્સના જથ્થાનું વજન, પ્લાન્ટમાંથી નીકળવાનો સમય, સ્થળે પહોંચવાનો સમય અને તાપમાન નોંધવાનું રહેશે. યોગ્ય ધોરણો ન હોય તો સાઇટ પર મોકલવું નહીં, માલનો ફરી ઉપયોગ કરવો નહીં, હોટમિક્સ પાથરતાં પહેલા સપાટી સાફ કરવી, યોગ્ય તાપમાન જાળવીને મંજૂર જાડાઈ પ્રમાણે જ મટિરિયલ પાથરવાનું રહેશે. રસ્તાનું લેવલ અને ઢાળનું ખાસ ધ્યાન રાખવું, મટિરિયલની લેબોરેટરીમાં તપાસ કરાવવી. મેનહોલ, વાલ્વ ચેમ્બર, કેચપીટને નુકસાન ન થાય તેની કાળજી રાખવાની રહેશે.
શહેરી વિસ્તારોમાં ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત અને નાગરિકો માટે જોખમી રસ્તાનું સમારકામ 48 કલાકમાં પૂર્ણ કરવું પડશે. સમારકામ બાદ તેનો ફોટો 72 કલાકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની એપ્લિકેશનમાં અપલોડ કરવાનો રહેશે. સમારકામ સમયે બેરિકેડિંગ ફરજિયાત છે. ખાડાની સપાટી સાફ કરી યોગ્ય બિટુમિન ઇમલ્શન લગાવવું. કોલ્ડ ઇમલ્શન ઇન્જેક્શન અને ઇન્ફ્રારેડ રિસાયક્લિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો. રોડ રિસર્ફેસ, રિગ્રેડિંગ કે મિલિંગ કરવા માટે અધિકારીઓ અને ડિઝાઇન કન્સલ્ટન્ટે સંયુક્ત રીતે સ્થળની મુલાકાત લેવી ફરજિયાત છે. પાણીની લાઇન, ડ્રેનેજ કે સ્ટોર્મ લાઇન તથા અન્ય ભૂગર્ભ સુવિધાઓનો સર્વે કરી તેની વિગતો અંદાજ સાથે જોડવી, વારંવાર તૂટતી જૂની ડ્રેનેજ કે સ્ટોર્મ વોટર લાઇન મેનહોલનું જરૂરી રિહેબિલિટેશન અથવા મજબૂતીકરણ રસ્તો બનતા પહેલા જ કરી દેવું.
શહેરમાં ખાસ કરીને ચાર રસ્તા પર સૌથી વધુ ટ્રાફિક થતો હોય છે, ત્યારે નાગરિકોની સુરક્ષા માટે ખૂબ ગંભીરતાપૂર્વક જંકશનની ડિઝાઇન તૈયાર કરવા જણાવવામાં આવ્યું છે. અલગ અલગ વિસ્તારોમાં સાઇનેજ બોર્ડ લગાવવા જણાવવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને રોડ વિસ્તારમાં 30 કિલોમીટર પ્રતિ કલાક અને મુખ્ય રોડ પર 50 કિલોમીટર પ્રતિ કલાક સુધીની સ્પીડનું બોર્ડ લગાવવાનું રહેશે. યોગ્ય ઊંચાઈ અને લોકોને દેખાય તે મુજબનું સાઇન બોર્ડ લગાવવા તથા લોકોને ખબર પડે તે માટે અલગ અલગ કલરના સાઇન બોર્ડ લગાવવા જણાવ્યું છે.