ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતાં જ હવામાનમાં પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી વહેતા થયાના દૃશ્યો સામે આવ્યા છે.
આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખેતરોમાં તૈયાર થયેલા પાક અને લણણીની તૈયારી વચ્ચે અચાનક વરસાદ પડતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળવાની ભીતિ ઊભી થઈ છે. ખાસ કરીને મગફળી અને સોયાબીનના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં વરસાદ માટે યેલો એલર્ટ જાહેર કર્યો છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે છે. ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવેમ્બર મહિનામાં પણ કમોસમી વરસાદનો સિલસિલો ચાલુ રહી શકે છે. તેમના અનુમાન મુજબ 2 અને 3 નવેમ્બરની આસપાસ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ વરસાદની શક્યતા છે.
શિયાળાની શરૂઆતમાં જ માવઠાની સ્થિતિ સર્જાતાં ખેડૂતો સહિત સામાન્ય લોકો પણ હવામાનના બદલાતા મિજાજથી પરેશાન છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તેના પર સૌની નજર છે.