સત્ય. સાહસ. સંકલ્પ.

સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ, 21 તાલુકામાં માવઠું, ખેડૂતો ચિંતિત

સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ, 21 તાલુકામાં માવઠું, ખેડૂતો ચિંતિત

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સક્રિય થતાં શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે 31 ઑક્ટોબરના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગના ત્રણ કલાકના નાઉકાસ્ટ મુજબ, 31 ઑક્ટોબરના રાત્રે 8 વાગ્યા સુધી આ ચાર જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારો પર લો-પ્રેશર એરિયા 31 ઑક્ટોબર, 2026ના રોજ સવારે 08:30 વાગ્યાથી સક્રિય છે. પશ્ચિમી પવનોના પ્રભાવ હેઠળ તેનું સાયક્લોનિક સર્ક્યુલેશન સપાટીથી 1.5 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. ઉત્તર હરિયાણા અને આસપાસના વિસ્તારો પર દરિયાની સપાટીથી 4.5 કિલોમીટર ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે સક્રિય છે. દક્ષિણ ગુજરાત પરનું અપર એયર સાયક્લોનિક સર્ક્યુલેશન હવે વધુ સ્પષ્ટ નથી.

કમોસમી વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોના મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થવાની શક્યતા છે, જેને લઈને ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.