નવરાત્રિના અંતિમ દિવસોમાં 18-19 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આથી ગરબા ખેલૈયાઓમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે.
હવામાન વિભાગ મુજબ, આજે 18 ઓક્ટોબરે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડી શકે છે.
આવતીકાલે 19 ઓક્ટોબરે નવમા નોરતે અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં ધીમીધારે માવઠું થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, 17 ઓક્ટોબરે સાંજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે તોફાની વરસાદ ત્રાટક્યો હતો. ભાણવડના ગુંદા, સાજડિયારી, સણખલા, કાટકોલા અને અડવાણા સહિતના ગામોમાં અડધો કલાક મુશળધાર વરસાદ વરસ્યો હતો. આસો મહિનામાં આષાઢ જેવો માહોલ સર્જાયો હતો. આ વરસાદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
આ વરસાદથી ઠેરઠેર પાણી વહી નીકળ્યાં હતાં. અચાનક આવેલા વરસાદને કારણે ખેતરોમાં ઉભા મગફળી સહિતના પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તોફાની વરસાદથી થોડા સમય માટે દોડધામનો માહોલ સર્જાયો હતો.