હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 30 અને 31 ઑક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં માવઠું પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આ વરસાદ આવવાની શક્યતા છે. ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર, 30 ઑક્ટોબરના રોજ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 31 ઑક્ટોબર (શનિવાર)ના રોજ રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે.
આ વરસાદ માટે હવામાન વિભાગે ત્રણ હવામાન સિસ્તમોને જવાબદાર ગણાવ્યા છે. 30 ઑક્ટોબર, 2026ના રોજ સવારે 08:30 વાગ્યાથી ઉત્તર છત્તીસગઢ અને પૂર્વ મધ્ય પ્રદેશ પર લો પ્રેશર એરિયા સક્રિય છે, જેનાથી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત, ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જે સરેરાશ દરિયા સપાટીથી 4.5 કિમી ઉપર ઉત્તર પંજાબ અને આસપાસના ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે જોવા મળી રહ્યું છે. તેના કારણે મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફેરિક પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. વધુમાં, દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારમાં સરેરાશ દરિયા સપાટીથી 0.9 કિમી ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે.
ઉલ્લેખનીય છે કે, 29 ઑક્ટોબરની સાંજે અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા, જે પછી હવામાન વિભાગે આ આગાહી બહાર પાડી છે. ખેડૂતોને વરસાદને ધ્યાનમાં રાખીને પાકની કાપણી અને સંગ્રહ અંગે યોગ્ય પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે.