સત્ય. સાહસ. સંકલ્પ.

માવઠાની આગાહી: નવેમ્બરમાં ગુજરાતના આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા

માવઠાની આગાહી: નવેમ્બરમાં ગુજરાતના આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં દિવાળી બાદ કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, શિયાળાની શરૂઆતમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે અને નવેમ્બર મહિનામાં બે તબક્કામાં વરસાદ પડી શકે છે.

આ વરસાદ પાછળનું કારણ 'અર્નબ' નામનું વાવાઝોડું છે. તે હાલમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ડીપ ડિપ્રેશન પોતાની સાથે ભેજ અને વાદળાં ખેંચી લાવે છે. આ સિસ્ટમની સીધી અસર પૂર્વીય મધ્યપ્રદેશ અને ગુજરાતના ઘણા ભાગો પર થશે. આજથી જ રાજ્યમાં પવનનું જોર વધશે, જેનાથી લોકોને ઠંડક અને વાદળછાયું વાતાવરણ અનુભવાશે.

પહેલો રાઉન્ડ: 30 ઓક્ટોબરથી 3 નવેમ્બર

અંબાલાલ પટેલની આગાહી મુજબ, વરસાદનો પહેલો રાઉન્ડ 30 ઓક્ટોબરથી 3 નવેમ્બર વચ્ચે પૂર્વ ગુજરાતમાં થવાની શક્યતા છે. ખાસ કરીને પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના વિવિધ ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. આ સમયગાળામાં ખેડૂતોએ ખુલ્લામાં પડેલા પાકને સાચવી લેવો જરૂરી છે. તહેવારોની મોસમમાં પણ પવનની ગતિ વધશે, જેનાથી તાપમાનમાં ઘટાડો થશે.

બીજો રાઉન્ડ: 12થી 14 નવેમ્બર

નવા વર્ષની શરૂઆત સાથે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. 12થી 14 નવેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ચેતવણીનો સમય છે. આ દિવસોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં વરસાદી ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં પણ માવઠાની આગાહી છે. ઉપરાંત, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે.

18 નવેમ્બર પછી બીજી સિસ્ટમ

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 18 નવેમ્બર પછી બંગાળની ખાડીમાં હવામાનની નવી સિસ્ટમ સક્રિય થશે. તે પણ વાવાઝોડું બનવાની શક્યતા છે. જો એમ થશે તો નવેમ્બરના અંત સુધી વાતાવરણ બદલાયેલું રહેશે અને ખેતીનાં કામોમાં અડચણ ઊભી થશે.

એટલે નવેમ્બર મહિનો ખેડૂતો માટે સાવચેતીનો મહિનો છે. શિયાળુ પાકની વાવણી અને ખરીફ પાકની લણણી કરતા ખેડૂતોએ આ આગાહી ધ્યાનમાં રાખીને આયોજન કરવું જોઈએ.