સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રી બાદ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા, અંબાલાલ પટેલની આગાહી

નવરાત્રી બાદ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા, અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણ અંગે નવી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, નવરાત્રી દરમિયાન ગરમી અને બફારાનો પ્રકોપ યથાવત્ રહેશે. મધ્ય ગુજરાતમાં તાપમાન ૩૮ થી ૩૯ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર અને અમરેલી જેવા વિસ્તારોમાં પણ ગરમી અનુભવાશે.

જોકે, નવરાત્રી બાદ વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ૧૭ ઓક્ટોબરથી ૨૨ ઓક્ટોબર વચ્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. આ સમયગાળામાં મધ્ય ગુજરાતમાં વાદળો છવાઈ જવાની અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયો વરસાદ પડવાની શક્યતા છે.

અરબ સાગર તરફથી આવતા ભેજને કારણે ૨૧ ઓક્ટોબર બાદ વરસાદી માહોલ જામવાની શક્યતા વધુ છે. અંબાલાલ પટેલના મતે, ૨૮ ઓક્ટોબરથી ૫ નવેમ્બર વચ્ચે દિવાળી પહેલા ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે. આ આગાહી ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે મહત્વની ગણાશે, કારણ કે કમોસમી વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે અને રોજિંદા જીવનને પ્રભાવિત કરી શકે છે.