અમદાવાદ: રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આજે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. નવસારી, વલસાડ, દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું અનુમાન છે. આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અચાનક પડેલા વરસાદથી કપાસ, મગફળી અને સોયાબીન સહિતના તૈયાર પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
વડિયામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદને કારણે માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અમુક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેતીને નુકસાનની સંભાવના છે.
બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. હડાળા, માવજીજવા, પીઠડીયા, ખારી અને ડેરી પીપરીયા સહિતના ગામોમાં કમોસમી વરસાદથી ખેતીને નુકસાનની ભીતિ છે. કુકાવાવમાં પણ વરસાદ નોંધાયો હતો.
અમરેલી જિલ્લાના સકરવા ગામે વીજળી પડતાં ખેત મજૂરી કરતાં માધીબેન મકવાણાનું મૃત્યુ થયું છે. કમોસમી વરસાદ દરમિયાન આકાશી વીજળી ત્રાટકતાં તેમનું મોત થયું હતું.
રાજકોટના જસદણ પંથકમાં કમોસમી વરસાદથી મગફળીના તૈયાર પાકને નુકસાન થયું છે. ડોડીયાળા ગામ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો, જેનાથી ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
જેતપુરમાં ગાજવીજ અને પવન સાથે માવઠું થયું હતું. તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, દેસાઈ વાડી, મતવા શેરી અને ફૂલવાડી સહિતના વિસ્તારોમાં રસ્તા પરથી વરસાદી પાણી વહેતાં થયાં હતાં. શહેર ઉપરાંત પેઢલા, મંડલીકપુર, પીઠડીયા, પ્રેમગઢ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.
વિસાવદરમાં ગાજવીજ સાથે અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. રસ્તા પરથી પાણી વહેતાં થયાં હતાં અને ખેતરોમાં ઊભો પાક પલળી ગયો હતો. મગફળી અને કપાસના પાકને મોટા નુકસાનની આશંકા છે.
છેલ્લા 24 કલાકમાં વિસાવદરમાં સૌથી વધુ 2.28 ઇંચ વરસાદ નોંધાયો છે. અમરેલીમાં 1.54 ઇંચ અને વડિયામાં 1.50 ઇંચ વરસાદ પડ્યો છે.