શિયાળાની ઋતુ શરૂ થઈ છે, ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે શુક્રવારે (30 ઓક્ટોબરે) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 તાલુકામાં માવઠું પડ્યું છે. આ વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી છે.
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ખાંભા (ગીર) પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાંભાના સકરાવા ગામે ખેતરમાં વીજળી પડતાં માધીબહેન આતુભાઈ મકવાણાનું મોત થયું છે. ઘટના બાદ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે ખાંભા સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભય અને શોકનો માહોલ છે.
રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (SEOC)ના આંકડા મુજબ, 30 ઓક્ટોબરે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 19 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના વડિયા તાલુકામાં 1.5 ઇંચથી વધુ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના વિસાવદર અને ભેંસાણ તાલુકા તથા રાજકોટના જેતપુર તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
રાજકોટ જિલ્લાના જેતપુર, થોરાજી, જામકંડોરણા, ગોંડલ અને ઉપલેટા તાલુકામાં તથા ગીર સોમનાથના કોડીનાર અને ગીર ગઢડામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવતાં માવઠું પડ્યું છે. વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતાં થયાં છે.
ખાંભા પંથકના ડેડાણ, ચકરાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. વડિયા પંથક અને કુકાવાવ પંથકમાં પણ ધોધમાર વરસાદ થતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. વડિયાના સુરગપરા વિસ્તાર, શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢેક ઇંચ વરસાદ પડ્યો છે. કુકાવાવ પંથકમાં ભારે વરસાદથી બજારોમાં પાણી વહેતાં થયું છે. બગસરાના સાપર, સુડાવડ, હડાળા, માવજીજવા, પીઠડીયા, ખારી, ડેરી અને પીપરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડ્યો છે.
શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકોને નુકસાન થવાની શક્યતા છે. પાકને થતા નુકસાન અંગે હજુ સત્તાવાર આકલન થયું નથી.