સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલી અને ગીર સોમનાથમાં તેજ પવન સાથે વરસાદ: કોડીનારમાં મકાનના પતરા ઉડ્યા

અમરેલી અને ગીર સોમનાથમાં તેજ પવન સાથે વરસાદ: કોડીનારમાં મકાનના પતરા ઉડ્યા

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે 30 ઓક્ટોબરે બપોર બાદ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામમાં તેજ પવનને કારણે એક ખેડૂતના મકાનના પતરા ઉડી ગયા હતા. આ ઉપરાંત ગામની ફાટક પાસે આવેલા પેટ્રોલપંપના સ્ટ્રક્ચરને પણ નુકસાન થયું હતું. ઘાંટવડ ગામની શેરીઓમાં પાણી વહેતાં થયાં હતાં.

અમરેલી જિલ્લામાં પણ તેજ પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ખાંભા-ઉના સ્ટેટ હાઇવે પર પવનના કારણે વૃક્ષો રસ્તા પર ધરાશાયી થયાં હતાં, જેના કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો અને વાહનોની કતારો લાગી હતી. સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોએ વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ધોધમાર વરસાદને કારણે હનુમાનપુર ગામની શેરીઓમાં પણ પાણી વહેતાં થયાં હતાં.

ગીર ગઢડા તાલુકાના જંગલ બોર્ડર નજીક આવેલા મોતીસર, નિતલી વડલી, નગડિયા અને જશાધાર થોરડી સહિતનાં ગામોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક વરસેલા વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતરોમાં તૈયાર થયેલા પાક અને ચાલી રહેલી ખેતીની કામગીરીને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

સાબરકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં પલટો આવતાં આજે બપોરે બાદ પોશીના, ઈડર અને હિંમતનગર તાલુકાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદી માવઠું પડ્યું હતું. વહેલી સવારથી આકાશમાં વાદળો છવાયા બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા વરસતાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ઈડર તાલુકાના દરામલી, નેત્રામલી, ઈસરવાડા, ભદ્રેસર સહિતના ગામોમાં વરસાદી છાંટા પડ્યા હતા. જ્યારે હિંમતનગર શહેરમાં ગાજવીજ બાદ વરસાદી છાંટા વરસ્યા હતા. હિંમતનગર તાલુકાના હિંમતપુર, ઉમિયાનગર, મહાદેવપુરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. બીજી તરફ પોશીના અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, વેસ્ટન ડિસ્ટર્બન અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદ માટે વાતાવરણ ચોખ્ખું રહેશે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. ખૂબ જ તીવ્ર સાયક્લોનિક વાવાઝોડા 'દાના'નું હવે ડીપ ડિપ્રેશન થઈ ગયું છે. તેની સ્થિતિ દક્ષિણ છત્તીસગઢ અને ઓડિશાની આસપાસ છે અને આગામી 24 કલાકમાં તે નબળું પડીને લો પ્રેશરમાં ફેરવાઈ જશે. ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં પશ્ચિમી ડિસ્ટર્બન્સ સક્રિય છે, જે સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે 3.1થી 4.5 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે.