ગુજરાત યુનિવર્સિટીમાં નવા કુલપતિની નિમણૂકને લઈને ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સંઘ દ્વારા સૂચવાયેલું નામ ભાજપને મંજૂર નથી, જ્યારે ભાજપ પોતાના ઉમેદવારને નિયુક્ત કરવા માંગે છે. આ કારણોસર નિમણૂકમાં વિલંબ થઈ રહ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ ડૉ. નિરજા ગુપ્તાનો કાર્યકાળ 30 જૂન, 2026ના રોજ પૂરો થયો હતો. ત્યારબાદ સરકારે જગદીશ જોશીને ઇન્ચાર્જ કુલપતિ તરીકે નિયુક્ત કર્યા હતા. નવા કુલપતિની પસંદગી માટેની સર્ચ કમિટીએ ત્રણ નામોની યાદી સરકારને સોંપી છે, પરંતુ એક મહિનાથી વધુ સમય વીતી જવા છતાં નામ નક્કી થઈ શક્યું નથી.
આ ઉપરાંત, પૂર્વ કુલપતિ ડૉ. નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિના આક્ષેપો થયા છે. તપાસ માટે પૂર્વ હાઈકોર્ટ જજની નિમણૂક કરવામાં આવી છે. આ મામલે ભાજપમાં પણ આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. સત્તામંડળના કેટલાક સભ્યો પૂર્વ કુલપતિ વિરુદ્ધ મોરચો ખોલ્યો હોવાનું અને ઉપરથી દબાણ હોવાનું પણ ચર્ચાય છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીના 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર પૂર્વ કુલપતિ સામે જાહેર ફરિયાદ મંચ ઊભું કરવામાં આવ્યું છે. અગાઉ પણ પૂર્વ કુલપતિઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદો થઈ છે, પરંતુ આ વખતે ભાજપ અને સંઘ વચ્ચેની ખેંચતાણને કારણે મામલો વધુ ગૂંચવાયો છે. હાલમાં, યુનિવર્સિટીના ઇન્ટરનલ દસ્તાવેજો બહાર આવી રહ્યા છે, જેનાથી વિવાદ વધુ ઊંડો બની રહ્યો છે.