અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં રાયફલ શૂટિંગ રેન્જને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે ABVPના કાર્યકર્તાઓએ આજે ઉગ્ર વિરોધ કર્યો હતો. યુનિવર્સિટીના દરવાજા તોડીને કાર્યકર્તાઓએ ઈન્ચાર્જ કુલપતિ અને રજીસ્ટ્રાર સામે રજૂઆત કરી હતી.
આજે 1 ઓક્ટોબરે ABVPના કાર્યકર્તાઓ યુનિવર્સિટી પહોંચ્યા હતા. દરવાજા બંધ હોવાથી તેમણે દરવાજો તોડીને ટાવરમાં પ્રવેશ કર્યો અને ઈન્ચાર્જ કુલપતિ સામે ઉગ્ર વિરોધ કર્યો. કુલપતિની ચેમ્બરમાં રજીસ્ટ્રાર પિયૂષ પટેલ પણ હાજર હતા, જેમની ટેન્ડર અને MoUમાં સહી હોવાથી ABVPના કાર્યકરોએ તેમને ધમકાવ્યા હતા. રજીસ્ટ્રાર પાસે MoUના કાગળ માંગતા તે મળી આવ્યા ન હતા. ABVPનો આક્ષેપ છે કે MoU આશિષ અમીને પોતાની પાસે રાખી લીધો છે, જે હાલ યુનિવર્સિટી પાસે નથી.
ABVPના નેતા પ્રિયમ ભાટીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં 275 કરોડની જમીન અને તેના પર બનેલી બિલ્ડિંગ બારોબર સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનને આપી દેવામાં આવી છે. જેમાં કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવી નથી. યુનિવર્સિટીના ખર્ચે ત્યાં બિલ્ડિંગ પણ બનાવવામાં આવ્યું છે. તેથી આ તમામ MoU રદ કરવામાં આવે અને ટેન્ડર પ્રક્રિયા થઈ હોય તો તે પણ રદ કરવામાં આવે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જગદીશ જોશીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં આવેલું દ્રોણાચાર્ય કેન્દ્ર, જેમાં રાયફલ શૂટિંગની કાર્યવાહી થાય છે, તેના MoU નિયમો અનુસાર નથી. ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. એટલે ગુજરાત યુનિવર્સિટી પોતે એને ચલાવે એવો આગ્રહ છે. આ પ્રકારની ABVPએ રજૂઆત કરી હતી. ત્યારે હાલ જે પણ ટેન્ડર કે MoU હશે તે તાત્કાલિક રદ કરીએ છીએ. આ સમગ્ર મામલો નિવૃત્ત જજની તપાસ કમિટીને તપાસ માટે સોંપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2025માં પણ રાયફલ શૂટિંગ રેન્જને લઈને વિવાદ થયો હતો. ત્યારે પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ ટેન્ડર રદ કર્યાનો દાવો કર્યો હતો, પરંતુ હકીકતમાં આ ટેન્ડર અને MoU આશિષ અમીનની દ્રોણાચાર્ય એકેડેમી ઓફ શૂટિંગ એન્ડ આર્ચરીને સોંપી દેવામાં આવ્યા હતા. 200 કરોડની જગ્યા પર 37 કરોડના ખર્ચે બનેલી બિલ્ડિંગમાં કરોડોની સાધન સામગ્રી યુનિવર્સિટીના પૈસે ખાનગી કંપનીને સોંપી દેવાતા ફરી વિવાદ વકર્યો હતો.