સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત યુનિવર્સિટીમાં 8 રાઉન્ડ બાદ પણ હજારો UG-PG બેઠકો ખાલી

ગુજરાત યુનિવર્સિટીમાં 8 રાઉન્ડ બાદ પણ હજારો UG-PG બેઠકો ખાલી

ગાંધીનગર/અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) અભ્યાસક્રમોમાં હજારો બેઠકો ખાલી રહી ગઈ છે. ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ (GCAS) દ્વારા આઠ રાઉન્ડ પૂર્ણ થયા છતાં પ્રવેશ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે.

ગુજરાત યુનિવર્સિટીમાં PGની આશરે 23,000 બેઠકોમાંથી લગભગ 11,000 બેઠકો ખાલી છે, જ્યારે UGની આશરે 73,000 બેઠકોમાંથી અંદાજે 20,000 બેઠકો ખાલી છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી હવે 7 થી 11 સપ્ટેમ્બર દરમિયાન કૉલેજ કક્ષાએ એક વધારાનો પ્રવેશ રાઉન્ડ યોજાશે.

ગત વર્ષે 30 રાઉન્ડ સુધી પ્રવેશ પ્રક્રિયા લંબાવવી પડી હતી, જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે માત્ર ચાર ઑનલાઇન રાઉન્ડ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાને કારણે હવે આઠ રાઉન્ડ પૂરા થયા છે અને પ્રક્રિયા હજુ પણ ચાલુ છે.

આ વિલંબ પાછળ પૂર્વ સેનેટ સભ્ય દ્વારા ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ખાનગી યુનિવર્સિટીઓમાં જુલાઈથી શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે, જ્યારે સરકારી યુનિવર્સિટીઓમાં ઓગસ્ટથી અભ્યાસ શરૂ થયો છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નિયમ મુજબ, પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને 90 દિવસનો સમય મળવો જરૂરી છે. આવી સ્થિતિમાં મોડા પ્રવેશને કારણે આ નિયમનું પાલન કેવી રીતે થશે તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.