અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામેની તપાસને લઈને એક મહત્ત્વનું પગલું લેવાયું છે. યુનિવર્સિટીએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર જાહેર નોટિસ મૂકીને પૂર્વ કુલપતિ વિરુદ્ધ ફરિયાદો અને રજૂઆતો મંગાવી છે.
ઇન્ચાર્જ કુલપતિના આદેશથી આ નોટિસ અપાઈ છે. જેમાં કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પૂર્વ કુલપતિ સામે પોતાની ફરિયાદ લેખિતમાં નોંધાવી શકશે.
યુનિવર્સિટીએ જણાવ્યું છે કે 1 જુલાઈ 2023થી 30 જૂન 2026 સુધીના સમયગાળામાં થયેલા ખર્ચ, નિમણૂંકો, પ્રોજેક્ટ્સ અને અન્ય બાબતોની તપાસ હાઈકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતાવાળી સત્ય શોધક સમિતિ કરી રહી છે.
આ તપાસને લઈને પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિના આરોપો પણ લાગ્યા છે. આ પહેલાં પણ તેમના વિરુદ્ધ અનેક આરોપો લાગ્યા હતા, પરંતુ ત્યારે કોઈ તપાસ થઈ નહોતી.
યુનિવર્સિટીએ જાહેર કર્યું છે કે જે કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને આ બાબતે રજૂઆત કરવી હોય તો તેઓ 30 ઓક્ટોબર સુધીમાં લેખિત રજૂઆત સાથે આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ લઈને યુનિવર્સિટીના અટલ કલામ બિલ્ડીંગમાં રૂબરૂ જમા કરાવી શકે છે.
નોંધનીય છે કે સરકારી યુનિવર્સિટીઓના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ પૂર્વ કુલપતિ વિરુદ્ધ આ રીતે જાહેર ફરિયાદ મંચ ઊભો કરવામાં આવ્યો છે. આ ઘટનાએ યુનિવર્સિટી કેમ્પસ સહિત ઉચ્ચ શિક્ષણ જગતમાં ચર્ચા જગાવી છે.