ગુજરાત યુનિવર્સિટીમાં NSUIના કાર્યકર્તાઓએ પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા અને રજિસ્ટ્રાર પિયુષ પટેલ પર કરોડો રૂપિયાના નાણાકીય અને વહીવટી કૌભાંડનો આરોપ લગાવીને જોરદાર વિરોધ કર્યો છે. વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ કુલપતિની ચેમ્બરમાં નકલી નોટોનો હાર પહેરાવ્યો અને વિવિધ પ્લેકાર્ડ તથા પોસ્ટરો સાથે પ્રદર્શન કર્યું. તેમજ રજિસ્ટ્રારની ચેમ્બરમાં ખાલી ખુરશી પર નોટોનો હાર પહેરાવીને વિરોધ વ્યક્ત કર્યો.
NSUIના દાવા મુજબ, પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ નિયમોની વિરુદ્ધ જઈને IDSRમાંથી 24.98 લાખ રૂપિયા પગાર પેટે મેળવ્યા છે, જ્યારે રજિસ્ટ્રાર પિયુષ પટેલે પણ આ જ સંસ્થામાંથી 3.20 લાખ રૂપિયાનો ગેરકાયદે પગાર લીધો છે. ઓડિટ રિપોર્ટના આધારે NSUIએ બંને અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરી છે અને આવતીકાલે યુનિવર્સિટી બંધનું એલાન કર્યું છે.
છેલ્લા બે દિવસમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તા પર અન્ય બે કૌભાંડોના આરોપ લાગ્યા છે. ભાષા વિષયના પ્રોફેસર હોવા છતાં, તેમણે વર્ષ 2024માં 23.93 કરોડ રૂપિયાનો અત્યાધુનિક 'બ્રેઇન મેપિંગ લેબ પ્રોજેક્ટ' રજૂ કરીને હોદ્દાનો દુરુપયોગ કરીને લાખો રૂપિયા મેળવ્યા હોવાના આરોપ લાગ્યા છે. આ પ્રોજેક્ટ ગુજરાત યુનિવર્સિટીની 'ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિફેન્સ સ્ટડીઝ એન્ડ રિસર્ચ' (IDSR) નામની ખાનગી સંસ્થા ખાતે મૂકવામાં આવ્યો હતો.
યુનિવર્સિટીની સર્વોચ્ચ એક્ઝિક્યુટિવ બોડી 'એક્ઝિક્યુટિવ કાઉન્સિલ'ના વડા તરીકે તત્કાલિન વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તા અને સચિવ તરીકે રજિસ્ટ્રાર ડો. પિયુષ પટેલ હતા. નિયમ મુજબ સાઇનિંગ ઓથોરિટી હોવાથી હોદ્દા પર રહીને યુનિવર્સિટીના પગાર સિવાય અન્ય કન્સલ્ટન્સી કે પ્રોજેક્ટમાંથી આર્થિક લાભ લઈ શકાતો નથી. છતાં, નીરજા ગુપ્તાએ પોતે જ રજૂ કરેલા પ્રોજેક્ટને પોતાની જ સહીથી મંજૂરી આપી દીધી. ત્યારબાદ આ પ્રોજેક્ટમાં પોતે સંશોધક અને સલાહકાર બનીને પોતાના માટે લાખો રૂપિયાની કન્સલ્ટન્સી ફી પાસ કરાવી લીધી હતી.
IDSR સેન્ટરમાં મુખ્યત્વે સંરક્ષણ સંબંધિત સંશોધનો થાય છે. પરંતુ વર્ષ 2024માં ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલા 'ઈક્શા સંગમ-2024' કાર્યક્રમમાં 2.50 કરોડ રૂપિયાનો તતિંગ ખર્ચ કરાયો હતો. આ કાર્યક્રમને ડિફેન્સ ક્ષેત્ર સાથે કોઈ સીધો સંબંધ ન હોવા છતાં, આ ખર્ચ IDSR કંપનીના ખાતામાંથી જમા ઉધારી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર વિવાદ અંગે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. પિયુષ પટેલે સ્પષ્ટતા કરી કે, "બ્રેઇન મેપિંગ લેબ પ્રોજેક્ટ મૂળ ફાર્મસી ફેકલ્ટીનો હતો. મારા ખાતામાં જે રકમ આવી છે તે પ્રોજેક્ટના મહેનતાણા તરીકે મળી છે. ભાષાનું બેકગ્રાઉન્ડ હોવા છતાં નિરજા મેડમ આમાં કેવી રીતે જોડાયા તે તેમને જ પૂછવું પડે."