ગુજરાત યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા પર સરકારી ખર્ચે અમેરિકા પ્રવાસ કરવાનો આરોપ લાગ્યો છે. શિક્ષણ વિભાગે મંજૂરી આપતી વખતે સ્પષ્ટ કર્યું હતું કે પ્રવાસનો ખર્ચ રાજ્ય સરકાર કે યુનિવર્સિટી ભોગવશે નહીં, છતાં ગુપ્તા અને તત્કાલીન ઇન્ચાર્જ રજિસ્ટ્રાર પિયુષ પટેલે મળીને સરકારી ગ્રાન્ટમાંથી રૂ. 5,88,769 ટ્રાવેલ કંપનીને એડવાન્સમાં ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની શરૂઆત 24 માર્ચ, 2026ના રોજ થઈ, જ્યારે નીરજા ગુપ્તાએ શિક્ષણ વિભાગને પત્ર લખીને અમેરિકા પ્રવાસની મંજૂરી માંગી હતી. 6 એપ્રિલ, 2026ના રોજ શિક્ષણ વિભાગના ઉપસચિવ આશિષ ચૌધરીએ મંજૂરી આપી, પરંતુ શરત મૂકી કે “સદર વિદેશ પ્રવાસ અંગેની એર ટિકિટ તેમજ થનાર અન્ય તમામ પ્રકારના ખર્ચ રાજ્ય સરકાર કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભોગવવામાં આવશે નહીં.” આમ, તમામ ખર્ચ ગુપ્તાએ પોતે ભોગવવાનો હતો.
જોકે, આદેશની અવગણના કરીને ગુજરાત યુનિવર્સિટીની સેક્શન 8 કંપની ‘ગુજરાત યુનિવર્સિટી પાર્ક ફોર ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેન્શન એન્ડ રિસર્ચ (GUPIER)’ મારફતે ખર્ચ કરવામાં આવ્યો. આ ખર્ચની ફાઇલ પર ગ્રુપ CEO શ્રીનિવાસ રાવ, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર પિયુષ પટેલ, કુલપતિ નીરજા ગુપ્તા અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટની સહીઓ કરવામાં આવી, જેથી ફાઇલ પાસ થઈ ગઈ.
ઉલ્લેખનીય છે કે, GUPIERનું એકાઉન્ટ વિભાગ ગુજરાત યુનિવર્સિટીથી અલગ છે અને તેમાં નીરજા ગુપ્તા દ્વારા લાખોના પગારે નિમાયેલા લોકોનું જ સુપરવિઝન રહેતું હતું, જેથી ખર્ચની ફાઇલ સરળતાથી પાસ થઈ ગઈ.
આ પ્રકરણમાં ગ્રુપ CEO શ્રીનિવાસ રાવની ભૂમિકા પણ ચર્ચાસ્પદ છે. થોડા સમય અગાઉ તેમને 5 લાખના પગારને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વધુમાં, નીરજા ગુપ્તાના પતિ સાથે ONGCમાં કામ કરતા હોવાથી તેમની નિમણૂક કરવામાં આવી હોવાના આક્ષેપો પણ થયા હતા. ત્યારે વિદેશ પ્રવાસના ખર્ચમાં શ્રીનિવાસ રાવની સહી હોવાથી તેમની સામે વધુ એક તપાસ શરૂ થઈ શકે છે.
આ ઉપરાંત, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર પિયુષ પટેલ સ્વચ્છંદ નિર્ણયો લેવા બદલ અગાઉ પણ ચર્ચામાં આવ્યા હતા. આ મામલે હાલ કોઈ સત્તાવાર તપાસ શરૂ થઈ નથી.