સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત યુનિવર્સિટી વિવાદ: નીરજા ગુપ્તાએ PMJVK પ્રોજેક્ટમાંથી રાજીનામું આપ્યું, 14 કરોડ રૂપિયા પરત કર્યા

ગુજરાત યુનિવર્સિટી વિવાદ: નીરજા ગુપ્તાએ PMJVK પ્રોજેક્ટમાંથી રાજીનામું આપ્યું, 14 કરોડ રૂપિયા પરત કર્યા

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે કરોડો રૂપિયાના કથિત કૌભાંડના આક્ષેપો બાદ વિવાદ વધ્યો છે. આ વિવાદ વચ્ચે નીરજા ગુપ્તાએ PMJVK પ્રોજેક્ટમાંથી પોતાના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર (PI) પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રજિસ્ટ્રારને ઈમેલ દ્વારા રાજીનામું મોકલ્યું છે.

મળતી માહિતી અનુસાર, PMJVK પ્રોજેક્ટ હેઠળ 16.53 કરોડ રૂપિયથી વધુની ગ્રાન્ટ મળી હતી. આમાંથી 14 કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવીને ગુજરાત યુનિવર્સિટીને પરત મોકલી આપવામાં આવ્યો છે. આ રકમ 10 સપ્ટેમ્બરે યુનિવર્સિટીના ખાતામાં જમા થઈ છે.

ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીએ જણાવ્યું કે, PMJVK પ્રોજેક્ટ માટે 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ હતી, જેમાંથી પ્રથમ હપ્તામાં 16 કરોડથી વધુ રકમ મળી હતી. આ રકમ PI તરીકે નીરજા ગુપ્તાના ખાતામાં જમા થઈ હતી. તેમણે 11 ઓગસ્ટે રજીસ્ટ્રારને ઈમેલ કરીને રાજીનામું આપ્યું હતું અને 14,59,19,772 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલ્યો હતો.

ડૉ. જોશીએ વધુમાં કહ્યું કે, ડિમાન્ડ ડ્રાફ્ટ સિવાયના બાકીના 2 કરોડ રૂપિયાનો હિસાબ આપવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ઓડિટેડ સ્ટેટમેન્ટ તાત્કાલિક તૈયાર કરીને જમા કરાવવા કહેવામાં આવ્યું છે. 31 માર્ચે નાણાકીય વર્ષ પૂરું થયા બાદ પણ હિસાબ જમા ન કરાવાતા તેને સત્વરે જમા કરાવવા સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, નીરજા ગુપ્તાનો કુલપતિ તરીકેનો કાર્યકાળ પૂરો થયા બાદ પણ તેઓ ત્રણ અલગ-અલગ પ્રોજેક્ટમાં PI તરીકે ચાલુ રહ્યા હતા. તેમણે હજુ સુધી અન્ય બે પ્રોજેક્ટમાંથી રાજીનામું આપ્યું નથી. આ પ્રોજેક્ટ્સમાં IDSRનું બ્રેન મેપિંગ લેબ અને બહુરત્ન વસુંધરા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. બ્રેન મેપિંગ લેબ પ્રોજેક્ટમાં નીરજા ગુપ્તાએ 24.98 લાખ રૂપિયા અને રજિસ્ટ્રાર પિયુષ પટેલે 3.20 લાખ રૂપિયા મેળવ્યા હતા. આ બંને પ્રોજેક્ટમાં પણ PMJVK પ્રોજેક્ટની જેમ નીરજા ગુપ્તાએ પોતાની જાતે જ નિમણૂક કરી હોવાનું સામે આવ્યું છે.

આ અગાઉ, નીરજા ગુપ્તા સામે આક્ષેપ થયો હતો કે તેમણે PMJVK પ્રોજેક્ટની ગ્રાન્ટ મેળવવા માટે પોતાના નામથી અલગ એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ એકાઉન્ટમાં તેમની સાથે કોમ્પ્યુટર ઓપરેટર પાર્થ પંચાલ અને ટેમ્પરરી એકાઉન્ટન્ટ હર્ષાબેનનું નામ પણ ઉમેરવામાં આવ્યું હતું. જ્યારે નિયમ મુજબ આ એકાઉન્ટમાં માત્ર કુલપતિ, રજિસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટ ઓફિસર જ રહી શકે છે. નિયમનું પાલન ન કરાતા વિવાદ સર્જાયો હતો.