સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડૉ. પૃથુલ દેસાઈની નિમણૂક

ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડૉ. પૃથુલ દેસાઈની નિમણૂક

અમદાવાદ: સુરતની સર પી. ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સના પ્રિન્સિપાલ ડૉ. પૃથુલ દેસાઈને ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિયુક્તિ 'ધી ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ, 2023'ની કલમ 10(4) હેઠળ રાજ્યપાલના નામે કરવામાં આવી છે.

ડૉ. દેસાઈનો કાર્યકાળ તેઓ પદનો ચાર્જ સંભાળે તે તારીખથી પાંચ વર્ષ સુધી, અથવા તેમની ઉંમર 65 વર્ષ થાય ત્યાં સુધી — બેમાંથી જે વહેલું આવે તે સુધી રહેશે. ઈન્ચાર્જ કુલપતિ જગદીશ જોષીના સ્થાને ડૉ. દેસાઈની નિમણૂક કરવામાં આવી છે.

નોંધનીય છે કે ગુજરાત યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે. તેનું એક કારણ પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા છે. સરકારી યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે કોઈ પૂર્વ કુલપતિ સામે સત્તાવાર રીતે જાહેર ફરિયાદ મંગાવવામાં આવી હોય. ઈન્ચાર્જ કુલપતિના આદેશથી આ અંગેની જાહેર નોટિસ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવી છે, જેના હેઠળ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પૂર્વ કુલપતિ સામે પોતાની ફરિયાદ કે રજૂઆત નોંધાવી શકે છે. અગાઉ પણ પૂર્વ કુલપતિ સામે અસંખ્ય આરોપો લાગ્યા હતા, પરંતુ તે સમયે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી નહોતી.

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે થયેલા ભ્રષ્ટાચારના આરોપ અને નાણાકીય ગેરરીતિની ફરિયાદો અંગે ઈન્ચાર્જ કુલપતિએ હાઈકોર્ટના પૂર્વ જજને તપાસ સોંપી છે. આ તપાસ અંતર્ગત જ યુનિવર્સિટીએ જાહેરમાં ફરિયાદો અને રજૂઆતો મંગાવી છે. આ પ્રકારનો જાહેર ફરિયાદ મંચ પહેલી વાર ગોઠવાયો છે — માત્ર ગુજરાત યુનિવર્સિટીના જ નહીં, પરંતુ સરકારી યુનિવર્સિટીઓના ઇતિહાસમાં પણ.

યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકાયેલી આ જાહેર નોટિસે કેમ્પસ સહિત સમગ્ર ઉચ્ચ શિક્ષણ જગતમાં ચર્ચા જગાવી છે. નોટિસમાં જણાવાયું છે કે 1 જુલાઈ 2023થી 30 જૂન 2026 સુધીના સમયગાળામાં થયેલા ખર્ચ, નિમણૂકો, પ્રોજેક્ટ્સ અને અન્ય બાબતો અંગે નિવૃત જજની અધ્યક્ષતામાં સત્યશોધક સમિતિએ કાર્યવાહી શરૂ કરી છે. આ બાબતે કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે સંગઠનની રજૂઆત હોય તો લેખિતમાં, આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ સાથે, 30 ઓક્ટોબર સુધીમાં યુનિવર્સિટીના અટલ કલામ બિલ્ડિંગમાં રૂબરૂમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ નોટિસને લઈને એક પ્રશ્ન પણ ઉઠ્યો છે — જ્યારે યુનિવર્સિટીમાં તમામ હિસાબો અને રેકોર્ડ ઉપલબ્ધ છે, ત્યારે જાહેરમાં ફરિયાદો મંગાવવાની જરૂર કેમ પડી? યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી વાર વર્તમાન કુલપતિ કે ઈન્ચાર્જ કુલપતિએ પૂર્વ કુલપતિ સામે આ પ્રકારે જાહેર ફરિયાદ મંચ ઊભો કર્યો હોવાનું જણાય છે.