સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાએ ₹14 કરોડની વણવપરાયેલી ગ્રાન્ટ પરત કરી, PI પદેથી રાજીનામું

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાએ ₹14 કરોડની વણવપરાયેલી ગ્રાન્ટ પરત કરી, PI પદેથી રાજીનામું

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સાથે સંકળાયેલા વિવાદ વચ્ચે એક મહત્વપૂર્ણ બાબત સામે આવી છે. તેમણે યુનિવર્સિટીને ₹14 કરોડથી વધુની વણવપરાયેલી ગ્રાન્ટ પરત કરી છે અને PMJVK તથા બ્રેન મેપિંગ પ્રોજેક્ટના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર (PI) પદેથી રાજીનામું આપ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રકમ કેન્દ્ર સરકારના બે અલગ-અલગ પ્રોજેક્ટ હેઠળ મળેલી અને અત્યાર સુધી વણવપરાયેલી ગ્રાન્ટની છે. નિરજા ગુપ્તાએ બંધ કવરમાં ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આ રકમ મોકલી હોવાનું જાણવા મળે છે. કુલપતિ તરીકેનો કાર્યકાળ પૂરો થયા બાદ પણ તેઓ આ બંને પ્રોજેક્ટમાં PI તરીકે સક્રિય હતા.

આ મામલે નિવૃત્ત હાઈકોર્ટના ન્યાયાધીશ ડી. એમ. વ્યાસની અધ્યક્ષતામાં એક સભ્યની તપાસ સમિતિ તપાસ કરી રહી છે. સમિતિને નિરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલી કથિત નાણાકીય અનિયમિતતાઓ, સત્તાના કથિત દુરુપયોગ અને PMJVK ગ્રાન્ટ સાથે જોડાયેલા આક્ષેપોની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. આ આક્ષેપો અંગે અંતિમ નિષ્કર્ષ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

એ નોંધવું જરૂરી છે કે પરત કરવામાં આવેલી આ રકમને તેમના વિરુદ્ધ થયેલા અન્ય આક્ષેપો અંગેની કથિત વસૂલાત તરીકે ગણવી યોગ્ય નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ હેઠળ મળેલી અને વણવપરાયેલી ગ્રાન્ટની રકમ છે.

અગાઉ વિદ્યાર્થી સંગઠનોએ ગુજરાત યુનિવર્સિટીમાં નાણાકીય અનિયમિતતાઓ અને સરકારી ભંડોળના કથિત દુરુપયોગ અંગે તપાસની માંગ કરી હતી. PMJVK ગ્રાન્ટ અંગે પણ કેટલાક આક્ષેપો થયા હતા. આ સમગ્ર મામલે ચાલી રહેલી તપાસનો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ જ આક્ષેપોની હકીકત અને જવાબદારી અંગે સ્પષ્ટતા થઈ શકશે.