સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ VC નિરજા ગુપ્તા પર 23.93 કરોડના પ્રોજેક્ટમાં ગેરરીતિનો આરોપ

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ VC નિરજા ગુપ્તા પર 23.93 કરોડના પ્રોજેક્ટમાં ગેરરીતિનો આરોપ

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ (VC) નિરજા ગુપ્તા સામે 23.93 કરોડ રૂપિયાના બ્રેઇન મેપિંગ લેબ પ્રોજેક્ટમાં ગંભીર આર્થિક ગેરરીતિનો આરોપ સામે આવ્યો છે. આરોપ મુજબ, તેમણે હોદ્દાનો દુરુપયોગ કરીને પોતાના ખાતામાં 24 લાખ રૂપિયા અને રજિસ્ટ્રાર દ્વારા 3.20 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, મૂળ ભાષાના પ્રોફેસર હોવા છતાં નિરજા ગુપ્તાએ નિયમોની અવગણના કરીને 23.93 કરોડનો બ્રેઇન મેપિંગ લેબ પ્રોજેક્ટ પોતે જ મંજૂર કર્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ તેમણે પોતાની સહીથી પોતાના વ્યક્તિગત બેંક ખાતામાં 24 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા, જેમાં લાખો રૂપિયાની કન્સલ્ટન્સી ફીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, યુનિવર્સિટીના રજિસ્ટ્રારે પણ હોદ્દા પર રહીને નિયમ મુજબ કોઈ આર્થિક લાભ ન લઈ શકાય, તેમ છતાં મહેનતાણાના નામે 3.20 લાખ રૂપિયા મેળવ્યાનો ખુલાસો થયો છે.

શિક્ષણ જગત અને ઉચ્ચ સરકારી સંસ્થાઓમાં આ આર્થિક કૌભાંડથી ભારે ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર ઘટનાક્રમથી યુનિવર્સિટીની પારદર્શિતા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને જવાબદાર સત્તાધીશો સામે કડક કાનૂની તેમજ વહીવટી કાર્યવાહી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

આ દરમિયાન, કોંગ્રેસના નેતા અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈંદ્રવિજયસિંહ ગોહિલે નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા છે. ગોહિલે દાવો કર્યો છે કે નિરજા ગુપ્તાએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે અને તેમની પાસે પીએમજેવીકે (PMJVK) પ્રોજેક્ટ સહિત તમામ ભ્રષ્ટાચારના નક્કર પુરાવાઓ ઉપલબ્ધ છે, જે તેઓ આગામી સમયમાં રજૂ કરશે. તેમણે આરોપ લગાવ્યો કે નિરજા ગુપ્તાએ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને યુનિવર્સિટીના ખર્ચે ઈકોનોમિક ક્લાસને બદલે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી હતી. આ સિવાય એરપોર્ટ પરથી લિપસ્ટિક, કપડાં અને બેગ જેવી અંગત વસ્તુઓની ખરીદી વિદ્યાર્થીઓના રૂપિયે કરી હતી તથા પોતાના વિદેશમાં રહેતા દીકરાના ખાતામાં પણ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

આ ઉપરાંત, તેમણે યુનિવર્સિટીમાં પોતાના મળતિયાઓને મોટા પગારે નોકરી પર રાખીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો પણ દાવો કર્યો છે. ઈંદ્રવિજયસિંહ ગોહિલે નિરજા ગુપ્તાને 'ચાચી 420' ગણાવતા કહ્યું કે તેઓ માત્ર વીડિયો સંદેશ આપીને વાર્તાઓ બનાવી રહ્યા છે, પરંતુ જો તેઓ સાચા હોય તો તેમને લાઈવ ચર્ચામાં આવવાનો ખુલ્લો પડકાર છે. ગોહિલે સરકાર પાસે નિરજા ગુપ્તા સામે કડક કાર્યવાહી કરીને તેમને જેલભેગા કરવાની પણ માગ કરી છે.