અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં ભંડોળના ઉપયોગ અંગે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે. એક તપાસમાં સામે આવ્યું છે કે યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ મંજૂરી વિના વિદેશ પ્રવાસ કર્યા હોવાનું તથા અન્ય વ્યક્તિઓને પણ યુનિવર્સિટીના ખર્ચે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી અનુસાર, 20 એપ્રિલ, 2026ની મધ્યરાત્રિએ થાઇ એરવેઝની ફ્લાઇટ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી બેંગકોક રવાના થઈ હતી. તેમાં એક વ્યક્તિ બેંગકોક ગયા અને ત્યારબાદ ટોક્યો પહોંચીને ઇન્ડો-જાપાન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સમગ્ર પ્રવાસનો ખર્ચ આશરે સાડા પાંચ લાખ રૂપિયા થયો હોવાનું જણાવાય છે, જે ગુજરાત યુનિવર્સિટી હેઠળ ચાલતા સ્ટડી અબ્રોડ પ્રોગ્રામના બેંક ખાતામાંથી ચૂકવાયો હતો. આ વ્યક્તિ યુનિવર્સિટી સાથે સીધી રીતે સંકળાયેલી ન હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
તપાસ અનુસાર, આ પ્રવાસી જમનાદાસ પબ્લિકેશન હાઉસના સીઈઓ ધવલ રશ્મિકાંત શાહ હોવાનું જાણવા મળે છે. યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ સહી કરીને તેમના પ્રવાસને સરકારી સ્પોન્સરશિપ આપી હોવાનું કહેવાય છે. ધવલ શાહ આવા એકમાત્ર કિસ્સા નથી; વર્ષ 2025-26 દરમિયાન અન્ય કેટલાક લોકોને પણ સરકારી ખર્ચે પ્રવાસ કરાવવામાં આવ્યા હોવાનું તપાસમાં જણાયું છે.
નિયમ મુજબ કુલપતિએ ઇકોનોમી ક્લાસમાં જ મુસાફરી કરવાની હોય છે. જોકે તપાસમાં સામે આવ્યું છે કે ડૉ. નીરજા ગુપ્તાએ બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કર્યો હતો અને તેના 28 લાખ રૂપિયાથી વધુના બિલ તેમની તથા રજિસ્ટ્રારની સહીથી પાસ કરાવવામાં આવ્યા હોવાનું જણાવાય છે.
માહિતી અધિકાર (આરટીઆઈ) હેઠળ મેળવેલી માહિતીમાં વર્ષ 2025-26માં માત્ર બે પ્રવાસ થયા હોવાનું અને તેના પર 34,701 રૂપિયાનો ખર્ચ થયો હોવાનું યુનિવર્સિટીના એકાઉન્ટ વિભાગમાં દર્શાવવામાં આવ્યું છે. જોકે તપાસમાં જાણવા મળ્યું કે ડૉ. ગુપ્તાએ દેશી અને વિદેશી બન્ને પ્રવાસ કર્યા હતા — દિલ્હી, ઇન્દોર, બેંગલોર અને જાપાન. આ બિલ યુનિવર્સિટીના સામાન્ય એકાઉન્ટ વિભાગમાં નહીં, પરંતુ તેમના નિયંત્રણ હેઠળના IKS સાથે સંકળાયેલા SAP અને IIS વિભાગમાં મૂકવામાં આવ્યા હોવાનું જણાયું છે.
તપાસ અનુસાર, જૂન 2025માં ડૉ. ગુપ્તાએ અમદાવાદથી દિલ્હીની મુસાફરી બિઝનેસ ક્લાસમાં કરી હતી, જેની ટિકિટનો ખર્ચ 23,477 રૂપિયા થયો હતો અને તે SAPમાં બિલ તરીકે પાસ કરાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
આ ઉપરાંત, 27 જૂન 2025ના રોજ ઓક્ટર્સ કંપનીના માલિક સમીર શુક્લા અમદાવાદથી દિલ્હી અને તે જ દિવસે પરત ફર્યા હોવાનું જણાવાય છે. યુનિવર્સિટીના વિવિધ કામના કોન્ટ્રાક્ટ મેળવતી આ કંપનીને ભૂતકાળમાં ગેરરીતિના કારણે યુનિવર્સિટીએ જ બ્લેકલિસ્ટ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તેમની ટિકિટનો 10 હજાર રૂપિયાથી વધુનો ખર્ચ યુનિવર્સિટીના SAPમાંથી પાસ કરાવવામાં આવ્યો હોવાનું જણાયું છે. આ જ વ્યક્તિને ડૉ. ગુપ્તાએ સરકારી ગ્રાન્ટ જે ખાતામાં આવે છે તેમાંથી 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું પણ તપાસમાં જણાવાયું છે.
નિયમ અનુસાર કુલપતિને વિદેશ પ્રવાસ માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છે. 12થી 17 જાન્યુઆરી, 2026 દરમિયાન ડૉ. ગુપ્તા જાપાનના પ્રવાસે ગયા હોવાનું જણાવાય છે. આ પ્રવાસ દરમિયાન 10 હજાર ડોલરના રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હોવાનું અને એમ કુલ 9.67 લાખ રૂપિયા ગુજરાત યુનિવર્સિટીના GUPIER તરફથી ચૂકવવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. GUPIER એ સેક્શન 8 હેઠળની કંપની છે, જેનું સીધું નિયંત્રણ ડૉ. ગુપ્તા પાસે હોવાનું જણાવાય છે. આ ઉપરાંત પ્રવાસની 3,90,472 રૂપિયાની એર ટિકિટ, 24,997 રૂપિયાની દિલ્હીથી અમદાવાદની ટિકિટ અને 7,770 રૂપિયાની વિઝા ફી મળીને કુલ 4,23,239 રૂપિયાનો અન્ય ખર્ચ થયો હોવાનું જણાવાય છે.
આ સમગ્ર મામલે યુનિવર્સિટીના ભંડોળના ઉપયોગ, મંજૂરીની પ્રક્રિયા અને જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સંબંધિત પક્ષો તરફથી સત્તાવાર પ્રતિક્રિયા મળે ત્યારે વાચકો સુધી પહોંચાડવામાં આવશે.