ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. તેમના પર આરોપ છે કે તેમણે સોના-ચાંદીના દાગીના અને મોંઘી બાંધણી સાડીની અંગત ખરીદીના બિલ યુનિવર્સિટીના 'સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ' હેઠળ મંજૂર કરાવ્યા હતા. આ બિલો પૂર્વ કુલપતિ અને તત્કાલીન રજિસ્ટ્રારની સહીથી પાસ કરાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
દાવા મુજબ, નવરંગપુરાના એક સ્ટોરમાંથી ખરીદાયેલી ₹59,350ની બાંધણી સાડી, ₹2.29 લાખની કિંમતની 851 ગ્રામ ચાંદી તેમજ સોનાની ખરીદીના બિલો નિયમોને બાજુ પર રાખીને સીધા 'સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ'માં રજૂ કરવામાં આવ્યા હતા. આ રકમ પૂર્વ કુલપતિના ખાતામાં ટ્રાન્સફર કરાઈ હોવાનો પણ આરોપ છે.
શૈક્ષણિક કાર્યક્રમના બજેટમાંથી અંગત ખરીદીના બિલ ચૂકવાયા હોવાના ખુલાસાથી યુનિવર્સિટી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. આ મામલે હજુ સુધી યુનિવર્સિટી તરફથી અધિકૃત નિવેદન આવ્યું નથી.