સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પર સરકારી ફંડમાંથી અંગત ખરીદીનો આરોપ

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પર સરકારી ફંડમાંથી અંગત ખરીદીનો આરોપ

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પર સરકારી ફંડનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં એવું બહાર આવ્યું છે કે તેમણે એપ્રિલ 2024માં અમેરિકાની મુલાકાત દરમિયાન અંગત વપરાશની વસ્તુઓ ખરીદી હતી અને તેના બિલ યુનિવર્સિટીના ફંડમાંથી પાસ કરાવ્યા હતા.

નીરજા ગુપ્તા 23 એપ્રિલ, 2024ના રોજ અમદાવાદથી દુબઈ થઈને અમેરિકા ગયા હતા. ન્યૂ જર્સીમાં 26થી 28 એપ્રિલ દરમિયાન રોયલ એલ્બર્ટ પેલેસ ખાતે ગોપીઓ કોમ્યુનિટી એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેમને ગુયાનાના પૂર્વ રાષ્ટ્રપતિ સેમ્યુઅલ હિન્ડ્સના હસ્તે 'આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો.

દુબઈ એરપોર્ટ પરના હોલ્ટ દરમિયાન તેમણે ડ્યુટી-ફ્રી સ્ટોરમાંથી અંગત વપરાશ માટે બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદી હતી. અમેરિકા પહોંચ્યા બાદ, 26 એપ્રિલ, 2024ના રોજ ન્યૂ જર્સીના માર્કેટમાં જાણીતા સેફોરા અને ઝારાના સ્ટોરમાંથી તેમણે કપડાં અને ફરી બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદ્યા હતા. આ તમામ ખરીદીના બિલ દિવ્ય ભાસ્કરને મળ્યા છે.

એક જ અમેરિકા ટૂર દરમિયાન તેમણે કુલ 386.98 US ડોલર (ભારતીય ચલણ મુજબ આશરે 33,300 રૂપિયા)ની અંગત ખરીદી કરી હતી. અમદાવાદ પરત ફર્યા બાદ તેમણે આ બિલને સત્તાવાર ખર્ચમાં સામેલ કર્યા અને પાસ પણ કરાવી લીધા.

અગાઉ પણ નીરજા ગુપ્તા પર ગેરરીતિના આરોપ લાગી ચૂક્યા છે. દિવ્ય ભાસ્કરે 22 ઓગસ્ટના રોજ એક ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો, જેમાં કુલપતિ પદે રહીને તેમણે કેન્દ્ર સરકારના એક પ્રોગ્રામ હેઠળ મહિને વધારાનો 4.20 લાખ રૂપિયા પગાર લીધો હોવાનો પર્દાફાશ થયો હતો. આ પગાર તેમની સહીથી જ મંજૂર થતો હતો.

વધુમાં, કેન્દ્ર સરકારની 40 કરોડ રૂપિયાની ગ્રાંટમાં ગેરરીતિ કરીને બ્લેકલિસ્ટેડ કંપનીને 10 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. તે જ બેંક એકાઉન્ટમાંથી નીરજા ગુપ્તાના દીકરાના વિદેશના બેંક એકાઉન્ટમાં પોણા દસ લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર થઈ હતી.

નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત ભરતી કૌભાંડ અને PMJVK (પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ)ની ગ્રાન્ટના દુરુપયોગની ફરિયાદો ઉઠી છે. યુનિવર્સિટીએ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ હાઈકોર્ટના નિવૃત જજ દિપક વ્યાસની એક સભ્યની તપાસ સમિતિની રચના કરી છે, જે પૂર્વ કુલપતિ સામેના ગંભીર આક્ષેપોની તપાસ કરીને 3 મહિનામાં યુનિવર્સિટીને રિપોર્ટ સુપરત કરશે. જેમાં વિદેશ પ્રવાસમાં થયેલી નાણાકીય ગેરરીતિનો મુદ્દો પણ સામેલ થઈ શકે છે.