સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત યુનિવર્સિટી વિવાદ: પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના પુસ્તકની 1 હજાર કોપી ખરીદવાનો મામલો

ગુજરાત યુનિવર્સિટી વિવાદ: પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના પુસ્તકની 1 હજાર કોપી ખરીદવાનો મામલો

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે એક નવો વિવાદ ઉભો થયો છે. તેમણે લખેલા પુસ્તકની 1 હજાર કોપી યુનિવર્સિટીના જ એક ડિપાર્ટમેન્ટમાંથી ખરીદવાનો આદેશ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ પુસ્તકની ખરીદી માટે 'પ્રભાત પ્રકાશ' સંસ્થાને 4.14 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે.

યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીએ જણાવ્યું કે, 1 હજાર પુસ્તકોની ખરીદી થઈ છે. આ પુસ્તકો કયા કારણસર ખરીદવામાં આવ્યા તેની તપાસ કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, નીરજા ગુપ્તાનો કાર્યકાળ 30 જૂન 2026ના રોજ પૂરો થયો હતો. તે પહેલાં, 18 મે 2026ના રોજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડીક સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાંથી 'સમગ્ર ભારતીય અનુસંધાન પદ્ધતિ' નામનું પુસ્તક ખરીદવાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. આ ઓર્ડર સોનલ મલ્હોત્રા દ્વારા આપવામાં આવ્યો હતો, જેમની નીરજા ગુપ્તા દ્વારા IISમાં કો-ઓર્ડીનેટર તરીકે હંગામી નિમણૂક કરવામાં આવી હતી.

આ ખરીદી માટેનું બિલ રજિસ્ટ્રાર પિયૂષ પટેલને લેખિતમાં મોકલવામાં આવ્યું હતું, જેમાં સોનલ મલ્હોત્રા અને નીરજા ગુપ્તા બંનેની સહી હતી. રજિસ્ટ્રાર પિયૂષ પટેલે આ બિલને મંજૂરી આપી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ રજિસ્ટ્રાર પિયૂષ પટેલ નીરજા ગુપ્તા સાથેના વિવાદોમાં સામેલ હોવાનું સાબિત થઈ ચૂક્યું છે. તેથી હવે પિયૂષ પટેલ સામે પણ નિવૃત જજની કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે.

નીરજા ગુપ્તા સામેની તપાસ કમિટીએ સામાન્ય નાગરિકો અને યુનિવર્સિટીના કર્મચારીઓને 20 દિવસમાં તેમની વિરુદ્ધ કોઈ પુરાવા કે રજૂઆત હોય તો રજૂ કરવા જણાવ્યું છે. આનાથી તપાસમાં વધુ મુદ્દા ઉમેરાશે તેવી શક્યતા છે.