સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત યુનિવર્સિટીમાં નવો વિવાદ: ECની મંજૂરી વગર 32 કરોડના કામો પાસ, 40 નંબરની વિગત મિનિટ્સમાંથી ગાયબ

ગુજરાત યુનિવર્સિટીમાં નવો વિવાદ: ECની મંજૂરી વગર 32 કરોડના કામો પાસ, 40 નંબરની વિગત મિનિટ્સમાંથી ગાયબ

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળમાં વધુ એક કથિત કૌભાંડ સામે આવ્યું છે. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યની જાણ મુજબ, 32 કરોડથી વધુના કામો એક્ઝિક્યુટીવ કાઉન્સિલ (EC)ના સભ્યોને જાણ કર્યા વગર મંજૂર કરી દેવામાં આવ્યા હતા. વધુ ચોંકાવનારી બાબત એ છે કે, EC સભ્યોને મોકલવામાં આવેલા એજન્ડામાંથી 40 નંબરના કામની વિગત જ ગાયબ કરી દેવામાં આવી હતી. ક્રમશ વિગતમાં 39 નંબર બાદ સીધું 41 નંબરનું કામ દર્શાવવામાં આવ્યું હતું.

આ મામલે યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યે જણાવ્યું કે, 2 મે, 2025ની દરખાસ્તમાં જાણી જોઈને જુલાઈ 2025માં 32 કરોડ 31 લાખ 79 હજાર રૂપિયાના 40 કામો મંજૂર કરી દેવામાં આવ્યા. આ કામો કયા છે તેની જાણ EC મેમ્બરોને પણ ન હતી. આ તમામ કામ જેપી સ્ટ્રક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ અને કન્સલ્ટન્ટ ઓક્ટર્સને સોંપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધુ એક કથિત કૌભાંડની તપાસ નિવૃત્ત હાઈકોર્ટ જજની કમિટીને સોંપવામાં આવી છે.

આ ઉપરાંત, 20 મે, 2025ના રોજ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટીવ કાઉન્સિલની સંયુક્ત બેઠકમાં વિવિધ કામોના 7 મુદ્દા પર ચર્ચા થઈ હતી. જોકે, મિનિટ્સ ઓનલાઈન ચઢાવતી વખતે ચર્ચા ન થઈ હોય તેવા બીજા બે મુદ્દા સિન્ડિકેટ સભ્યોની મંજૂરી વગર ઉમેરી દેવામાં આવ્યા હતા. બેઠક સમયે ઇન્ચાર્જ રજીસ્ટ્રાર પરેશ પ્રજાપતિ હતા, પરંતુ મિનિટ્સ ઓનલાઈન ચઢાવવાના સમયે ઇન્ચાર્જ રજીસ્ટ્રાર પિયુષ પટેલ હતા અને તેમની સહી હતી. જેથી પિયુષ પટેલની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે.

આ અંગે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટી ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ચૂકી છે. સરકારે તાત્કાલિક કડક પગલાં લેવા જોઈએ. તેમણે કહ્યું કે, સિન્ડિકેટ ખૂબ જ પાવરફૂલ બોડી છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને ફાઈનાન્સના નિર્ણયો લે છે. પહેલા સિન્ડિકેટમાં અધ્યાપક, પ્રિન્સિપાલ અને વિરોધ પક્ષના પ્રતિનિધિઓ હતા, ત્યારે કૌભાંડની હિંમત કોઈ કરતું નહોતું. પરંતુ સરકારે સેનેટ અને સિન્ડિકેટનું વિસર્જન કરી માત્ર સરકાર નિયુક્ત સભ્યોને બેસાડ્યા ત્યારથી કૌભાંડ વધ્યા છે. તેમણે માંગ કરી કે, દોષિતોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે.

બીજી તરફ, ઇન્ચાર્જ કુલપતિ ડો. જગદીશ જોશીએ જણાવ્યું કે, યુનિવર્સિટીમાં ફાઈનાન્સિયલ ખામીઓ સામે આવી છે. 32 કરોડ રૂપિયા કોઈપણ ચર્ચા કે જાણ કર્યા વગર ફાળવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અત્યારે રિટાયર્ડ હાઈકોર્ટ જજની કમિટી તપાસ કરી રહી છે. 22 દિવસથી તપાસ કમિટી પોતાનું કામ કરી રહી છે.