સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં 2.89 લાખ પરિવારો પાસે ગેસ ભરાવવાના પૈસા નથી, ઉજ્જવલા યોજનાનો હેતુ નિષ્ફળ

ગુજરાતમાં 2.89 લાખ પરિવારો પાસે ગેસ ભરાવવાના પૈસા નથી, ઉજ્જવલા યોજનાનો હેતુ નિષ્ફળ

અમદાવાદ: 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના' હેઠળ મફત ગેસ કનેક્શન મેળવનારા ગુજરાતના 2.89 લાખથી વધુ પરિવારોએ વર્ષ 2025-26 દરમિયાન એક પણ સિલિન્ડર ભરાવ્યું નથી. કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા દર્શાવે છે કે રાંધણ ગેસના ભાવ રૂ.1,000ની નજીક પહોંચતાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગેસ ભરાવવો મુશ્કેલ બન્યો છે.

ઉજ્જવલા યોજનાનો હેતુ ગ્રામીણ અને ગરીબ મહિલાઓને લાકડાં અને ધુમાડાથી મુક્તિ અપાવવાનો હતો. પરંતુ ભાવ વધારાને કારણે લોકો ફરી લાકડાં, છાણાં અને કોલસા જેવા પરંપરાગત બળતણ તરફ વળ્યા છે. ગેસ કનેક્શન હોવા છતાં સિલિન્ડર ભરાવવાનો ખર્ચ પરવડે તેમ ન હોવાથી સબસિડી પણ અસરકારક સાબિત થઈ નથી.

સામાન્ય નાગરિકોનું કહેવું છે કે જ્યારે ખાવાના ફાંફા પડે ત્યારે રૂ.1,000નો ગેસ સિલિન્ડર કેવી રીતે પરવડે? આ સ્થિતિ દર્શાવે છે કે યોજનાનો લાભ ખરા જરૂરિયાતમંદો સુધી પહોંચવામાં નથી આવી રહ્યો.

મોંઘવારીને કારણે મધ્યમ વર્ગ પણ આર્થિક તણાવ અનુભવી રહ્યો છે. શ્રમિક પરિવારોની સ્થિતિ વધુ દયનીય છે. લોકો હવે સગડી અને ઇલેક્ટ્રિક ઇન્ડક્શનનો વિકલ્પ પણ શોધી રહ્યા છે.