ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ 1 ઓક્ટોબરે રાજ્ય સરકારે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ કાયદાની જાહેરાત થતાં જ અમદાવાદ સહિત રાજ્યભરમાં લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવા લોકો ઉતાવળ કરી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના મેરેજ રજિસ્ટ્રેશન પોર્ટલ પર સામાન્ય દિવસોમાં રોજના સરેરાશ 150થી 200 ફોર્મ સબમિટ થતા હતા. હવે છેલ્લા એક અઠવાડિયામાં આ આંકડો વધીને રોજના 700થી 800 થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા 48થી 72 કલાકમાં જ અરજીઓમાં 3થી 4 ગણો વધારો નોંધાયો છે.
ઓગસ્ટ 2026થી લગ્ન નોંધણીની આખી પ્રક્રિયા 100% પેપરલેસ અને ડિજિટલ કરવામાં આવી છે. લોકો ઘરે બેઠા દસ્તાવેજો અપલોડ કરી શકે છે, તેથી વોર્ડ ઓફિસો પર ભીડ જોવા મળતી નથી. પણ દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કર્યા પછી ફિઝિકલ વેરિફિકેશન માટે એપોઈન્ટમેન્ટ સ્લોટની અછત સર્જાઈ છે. પહેલા 2થી 3 દિવસમાં મળી જતો સ્લોટ હવે 7થી 10 દિવસના વેઈટિંગ પર પહોંચી ગયો છે.
અરજીઓમાં અચાનક આવેલા વધારાનું મુખ્ય કારણ UCCમાં રહેલી કડક જોગવાઈ છે. નવા નિયમો પ્રમાણે લગ્ન થયાના 60 દિવસની અંદર નોંધણી કરાવવી ફરજિયાત બની છે. સમયમર્યાદામાં નોંધણી ન કરાવી તો 10,000થી 25,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
લોકોમાં ચર્ચા છે કે UCC સંપૂર્ણપણે અમલી બન્યા પછી લગ્ન પ્રમાણપત્ર ન હોય તો પાસપોર્ટમાં નામ બદલવું, સંયુક્ત બેંક ખાતું ખોલાવવું, વારસાહકો અને વીમા ક્લેઈમ જેવા કામો અટકી શકે છે. આથી લોકો અગાઉથી જ પ્રમાણપત્ર મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે.