ગાંધીનગર: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી બાદ ગુજરાત સરકારે એક જ દિવસમાં બે મહત્ત્વના કાયદા સત્તાવાર ગેઝેટમાં પ્રસિદ્ધ કર્યા છે. ‘ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ, 2026’ને ગુજરાત એક્ટ નં. 15 ઓફ 2026 તરીકે અસાધારણ ગેઝેટમાં પ્રકાશિત કરાયો છે. તેવી જ રીતે ‘ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (એમેન્ડમેન્ટ) એક્ટ, 2026’ને 1 ઓક્ટોબરથી અમલમાં લાવવા શિક્ષણ વિભાગે અલગ નોટિફિકેશન બહાર પાડ્યું છે.
1 ઓક્ટોબરના ગેઝેટમાં પ્રકાશિત UCC કાયદો લગ્ન, છૂટાછેડા, વારસો, લિવ-ઇન સંબંધો અને તેની સાથે જોડાયેલી બાબતોને નિયંત્રિત કરે છે. બિલમાં સ્પષ્ટ કરાયું છે કે તેનું નામ ‘ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ, 2026’ રહેશે અને રાજ્ય સરકાર ગેઝેટમાં નોટિફિકેશન દ્વારા નક્કી કરે તે તારીખથી અમલમાં આવશે. ગેઝેટની શરૂઆતની જોગવાઈઓમાં જણાવાયું છે કે તેનો વિસ્તાર સમગ્ર ગુજરાત સુધી રહેશે અને ગુજરાતના એવા રહેવાસીઓ પર પણ લાગુ પડશે જેઓ રાજ્યની બહાર રહે છે.
આદિવાસીઓની કેટલીક પરંપરાગત પ્રથાઓ બહાર રખાઈ: UCCમાં ખાસ જોગવાઈ કરીને બંધારણની કલમ 342 હેઠળની અનુસૂચિત જનજાતિઓ (ST)ને કાયદામાંથી બાકાત રાખવામાં આવી છે. ઉપરાંત બંધારણના ભાગ XXI હેઠળ જેમના પરંપરાગત અધિકારો સુરક્ષિત છે તેવા વ્યક્તિઓ અને સમુદાયો પર પણ આ કોડ લાગુ નહીં પડે.
‘રહેવાસી’ની વ્યાખ્યા: UCCમાં ‘Resident’ની અલગ વ્યાખ્યા કરવામાં આવી છે. તેમાં રાજ્યમાં સતત 10 વર્ષથી રહેતા લોકો, ગુજરાતમાં જન્મેલા અને ગુજરાતમાં રહેતા માતા-પિતા ધરાવતા લોકો ઉપરાંત રાજ્ય કે કેન્દ્ર સરકારના કેટલાક કાયમી કર્મચારીઓ તથા સરકારની કેટલીક યોજનાઓના લાભાર્થીઓનો સમાવેશ કર્યો છે.
15 મુદ્દામાં વિસ્તારથી સમજો UCCનો કાયદો:
1. ફરજિયાત લગ્ન નોંધણી: દરેક લગ્નનો સરકારી રેકોર્ડ બનશે. અધિકાર-ભરણપોષણ, મિલકત, કાયદાકીય ઓળખ સુરક્ષિત થશે. વિવાદની સ્થિતિમાં નક્કર પુરાવા મળશે. પહેલાની સ્થિતિ: રાજ્યમાં વર્ષે 6-7 લાખ લગ્ન, પરંતુ સરકારી રેકોર્ડમાં નોંધણી 100% નથી. મેરેજ સર્ટિફિકેટ ન હોવાથી ભરણપોષણ, મિલકતના કેસમાં પુરાવાની સમસ્યા થાય છે.
2. બાળલગ્ન પર કડકાઈ: દેખરેખ અને સજા બંને મજબૂત થશે, જે સગીર છોકરીઓના શિક્ષણ, આરોગ્ય અને ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ કરશે. પહેલાની સ્થિતિ: ચાઈલ્ડ મેરેજ ફ્રી ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, 2024માં 15-17 વર્ષની 90 હજાર છોકરીના લગ્ન થયાનો અંદાજ. 18 લાખ છોકરીઓ સ્કૂલે જતી નથી.
3. બહુપત્નીત્વ પર પ્રતિબંધ: એક પુરુષ ફક્ત એક જ લગ્ન કરી શકશે. જેથી બીજા લગ્નના નામે મહિલાઓ સાથે થતાં શોષણને સંપૂર્ણપણે કાબુમાં લેશે. પહેલાની સ્થિતિ: અમુક જગ્યાએ પુરુષ એકથી વધુ પત્ની રાખે છે. ગુજરાત સહિત 7 રાજ્યમાં મહિલાઓએ બહુપત્નીત્વને ભાવનાત્મક-આર્થિક અન્યાય ગણાવ્યો હતો.
4. નકલી લગ્નો પર નિયંત્રણ: જાહેર નોટિસ અને ચકાસણીથી છેતરપિંડીવાળા લગ્નો પર રોક લાગશે. લગ્નની લાલચમાં ફસાવવાની ઘટનાઓ ઓછી થશે. પહેલાની સ્થિતિ: વિઝા કે અન્ય લાભ માટે યોજાયેલ નકલી લગ્નના કિસ્સા બન્યા છે. પંચમહાલમાંથી 4600થી વધુ નકલી મેરેજ સર્ટિફિકેટ મળી આવ્યા હતા.
5. લિવ-ઇનને કાયદાકીય દરજ્જો: લિવ-ઇન રિલેશનશિપને કાનૂની માન્યતા મળતા હવે મહિલાઓને પણ ભરણપોષણનો અધિકાર હશે. આર્થિક રીતે મજબૂર રહેવાની સ્થિતિથી છુટકારો મળશે. પહેલાની સ્થિતિ: લિવ-ઇનમાં કોઇ ફરજિયાત રજિસ્ટ્રેશન નથી. અમદાવાદ જેવા શહેરમાં 5 વર્ષમાં લિવ-ઇન રિલેશન 20% વધ્યા છે. રિલેશન તૂટે ત્યારે કાયદાકીય ગૂંચવણો ઉભી થાય છે.
6. સંબંધ તૂટવા પર સુરક્ષા: સંબંધ તૂટવાની સ્થિતિમાં મહિલાને કાયદાકીય સંરક્ષણ મળશે. છોડી જવું, આર્થિક નુકસાન કે સામાજિક અસુરક્ષાથી રાહત મળશે. પહેલાની સ્થિતિ: સંબંધ તૂટવાથી 30%થી વધુ મહિલાઓ આર્થિક રીતે બીજા પર નિર્ભર થઇ જાય છે. સંબંધ તૂટવા પર ઘર અને આવક છીનવાઈ જવાનો ભય રહે છે.
7. સમાન છૂટાછેડાનો કાયદો: બધા ધર્મો માટે એક સમાન છૂટાછેડાની પ્રક્રિયા લાગુ કરાશે, જેનાથી દરેક સમુદાયમાં મહિલાઓને સમાન અધિકાર અને ન્યાય મળવાની તક મળશે. પહેલાની સ્થિતિ: હિન્દુ મેરેજ એક્ટ, મુસ્લિમ પર્સનલ લો અને ક્રિશ્ચિયન ડિવોર્સ એક્ટમાં છૂટાછેડાના અલગ-અલગ નિયમો છે. છૂટાછેડાના 40 હજાર કેસ પેન્ડિંગ છે.
8. સમાન ભરણપોષણ: મહિલાઓને સમાન અને ન્યાયસંગત ભરણપોષણ મળશે, છૂટાછેડા પછી આર્થિક સુરક્ષા અને સ્થિરતા રહી શકશે. પહેલાની સ્થિતિ: ફેમિલી કોર્ટમાં 40%થી વધુ કેસ ભરણપોષણના. અલગ અલગ કાયદાથી કોર્ટમાં પણ ભરણપોષણ મુદ્દે જટિલતા સર્જાતી હોય છે.
9. મનસ્વી છૂટાછેડા પર પ્રતિબંધ: પતિ દ્વારા એકપક્ષીય અથવા ઉતાવળમાં છૂટાછેડા આપવાની વૃત્તિને કાબૂમાં લેવાશે. મહિલાને સમાન અધિકાર મળશે.
10. વસિયત ન હોય તો માતા-પિતાનો વારસો: વસિયત ન હોય તો સંપત્તિમાં માતા-પિતાનો ભાગ લાગશે. પહેલાની સ્થિતિ: અમુક સમુદાયોમાં માતા-પિતાને વારસામાં ભાગ મળતો નથી.
11. લિવ-ઇનમાં જન્મેલા બાળકોને કાયદેસર દરજ્જો: લિવ-ઇન સંબંધમાંથી જન્મેલા બાળકોને કાયદેસર ગણાશે. તેમને વારસાઈ અધિકાર મળશે. પહેલાની સ્થિતિ: લિવ-ઇનમાં જન્મેલા બાળકોને કાયદાકીય ઓળખ અને વારસાઈ અધિકારમાં મુશ્કેલી પડતી હતી.
12. દત્તક લેવાની સમાન પ્રક્રિયા: તમામ ધર્મો માટે દત્તક લેવાની એકસમાન પ્રક્રિયા લાગુ થશે. પહેલાની સ્થિતિ: અલગ-અલગ ધાર્મિક કાયદાઓમાં દત્તક લેવાની જુદી જુદી જોગવાઈઓ હતી.
13. વારસાઈમાં સમાન અધિકાર: દીકરા-દીકરીને સમાન વારસાઈ અધિકાર મળશે. પહેલાની સ્થિતિ: અમુક સમુદાયોમાં દીકરીને વારસાઈમાં ઓછો ભાગ મળતો હતો.
14. સંપત્તિના વિભાજનમાં સ્પષ્ટતા: સંપત્તિના વિભાજન અંગે સ્પષ્ટ નિયમો થશે, જેથી કાયદાકીય વિવાદ ઘટશે. પહેલાની સ્થિતિ: વારસાઈના કેસોમાં લાંબો સમય ચાલતા હતા.
15. કાયદાકીય સંરક્ષણમાં સમાનતા: તમામ નાગરિકોને સમાન કાયદાકીય સંરક્ષણ મળશે. પહેલાની સ્થિતિ: ધાર્મિક કાયદાઓમાં અસમાનતા હતી.
આમ, ગુજરાતમાં UCCનો કાયદો લાગુ થવાથી લગ્ન, વારસો, લિવ-ઇન જેવી બાબતોમાં એકસમાન નિયમો થશે, જેનાથી સમાજમાં સમાનતા અને ન્યાય સ્થપાશે.