સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં UCC લાગુ: રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ગેજેટ પ્રસિદ્ધ, લગ્ન, વારસાહક અને લિવ-ઇન માટે નવા નિયમો

ગુજરાતમાં UCC લાગુ: રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ગેજેટ પ્રસિદ્ધ, લગ્ન, વારસાહક અને લિવ-ઇન માટે નવા નિયમો

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) હવે લાગુ થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા UCC વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ રાજ્ય સરકારે આ અંગેનું ગેજેટ પ્રસિદ્ધ કરી દીધું છે. ગુજરાત વિધાનસભામાં આ વિધેયક 24 માર્ચ 2026ના રોજ પસાર થયું હતું. ઉત્તરાખંડ પછી UCC બિલ પસાર કરનારું ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું છે.

નવા કાયદા હેઠળ રાજ્યમાં લગ્ન અને છૂટાછેડા માટે સમાન કાનૂની જોગવાઈઓ લાગુ થશે. જોકે, આદિવાસી સમુદાયને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે. સંપત્તિ અને ઉત્તરાધિકારના અધિકારોમાં મહિલાઓને પુરુષો સમાન હક મળશે. મિલકતમાં પુત્ર અને પુત્રી બંનેને સમાન વારસાગત અધિકાર આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત, રાજ્યમાં લિવ-ઇન રિલેશનશિપ માટે નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. લિવ-ઇન સંબંધોથી જન્મેલા બાળકોને પણ પિતાની મિલકતમાં કાયદાકીય હક પ્રાપ્ત થશે. લગ્નની નોંધણી પણ ફરજિયાત બનાવવામાં આવી છે, જેથી ઓળખ છુપાવીને કે છેતરપિંડી કરીને લગ્ન કરનારાઓ સામે કાર્યવાહી કરી શકાય.

વિધાનસભામાં બિલ પસાર થતી વખતે વિપક્ષ કોંગ્રેસે તેનો સખત વિરોધ કર્યો હતો. કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે બિલને વધુ વિચારણા માટે સિલેક્ટ કમિટીને મોકલવાની માંગણી કરી હતી. આ માંગણી નકારાતાં કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું.

બિલ પસાર થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં કહ્યું હતું કે આ કાયદો રાજ્યની દીકરીઓ અને મહિલાઓના રક્ષણ માટે જરૂરી છે. તેમણે કહ્યું હતું, "મને બધા દાદા કહીને બોલાવે છે. ત્યારે મારા રાજ્યની તમામ દીકરીઓ, બહેનો અને માતાઓની કાળજી રાખવી એ મારી નૈતિક ફરજ છે. તમામ દીકરીઓ અને માતાઓના રક્ષણ માટે મારે કાયદાનો ડંડો ઉગામવો જ પડે, અને મેં એ જ કર્યું." તેમણે સ્પષ્ટ કર્યું કે આ બિલ તુષ્ટિકરણની રાજનીતિ માટે નથી, પરંતુ સમાજમાં સમાનતા લાવવા માટે છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે આ કાયદાનો ઉદ્દેશ્ય કોઈના અધિકારો છીનવવાનો કે ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ મારવાનો નથી. તેમણે દાવો કર્યો કે આ બિલ બંધારણની વિરુદ્ધ નથી, પરંતુ તેનું પૂરક છે. તેમણે એમ પણ કહ્યું કે લિવ-ઇન રિલેશનશિપને પ્રોત્સાહન આપવાના બદલે, બદલાતા સમયમાં આવી ઘટનાઓથી દીકરીઓને બચાવવા માટે નોંધણી ફરજિયાત કરવામાં આવી છે.