ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા સમાન નાગરિક સંહિતા (UCC) બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી છે. રાજ્યપાલની મંજૂરી બાદ હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે આ બિલ કાયદો બની ગયું છે. ગુજરાત સરકારે ‘ધી ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ, 2026’ અંગેનું સત્તાવાર ગેઝેટ પ્રસિદ્ધ કરી દીધું છે, જેનાથી આ કાયદો આખા રાજ્યમાં અમલમાં આવશે. આ કાયદો રાજ્યની બહાર રહેતા ગુજરાતના રહીશોને પણ લાગુ પડશે.
આ કાયદાની સૌથી મોટી અસર સંપત્તિ અને વારસાઈમાં થશે. હવે કોઈ વ્યક્તિ વસિયતનામું કર્યા વગર મૃત્યુ પામે તો તેની મિલકતમાં પત્ની કે પતિ, સંતાનો અને માતા-પિતાને સમાન હિસ્સો મળશે. આનાથી મહિલાઓને સંપત્તિમાં સમાન અધિકાર મળશે. લગ્ન બહાર, સરોગસી કે દત્તક લીધેલા બાળકોને પણ જૈવિક સંતાનોની જેમ વારસાહક અધિકારો આપવામાં આવ્યા છે.
નવા કાયદા હેઠળ લગ્નની ફરજિયાત નોંધણી કરાવવી પડશે. લગ્નના 60 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે; ન કરાવાય તો દંડ થશે. લગ્ન સમયે યુવકની ઉંમર 21 વર્ષ અને યુવતીની 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ. જીવિત જીવનસાથી હોય ત્યાં સુધી બીજા લગ્ન કરી શકાશે નહીં. જોકે, તમામ ધર્મોની પરંપરાગત લગ્નવિધિઓ જેમ કે સપ્તપદી, નિકાહ, આણંદ કારજ પર કોઈ રોક રહેશે નહીં.
લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોએ રજિસ્ટ્રાર સમક્ષ સંયુક્ત નિવેદન આપીને નોંધણી કરાવવી પડશે. સંબંધનો અંત આવે ત્યારે પણ તેની જાણ રજિસ્ટ્રારને કરવી પડશે. છૂટાછેડા કે લગ્ન સંબંધિત વિવાદો માટે કોર્ટમાં જતાં પહેલાં મધ્યસ્થતા (મેડિએશન)નો વિકલ્પ આપવામાં આવ્યો છે. લગ્ન નોંધણી વગર નોકરી કે સરકારી દસ્તાવેજોમાં વૈવાહિક સ્થિતિ બદલી શકાશે નહીં.
બંધારણની કલમ 366(25) અને 342 હેઠળ આવતા અનુસૂચિત જનજાતિ (ST)ના સભ્યો તથા ભાગ-21 હેઠળ રક્ષિત પરંપરાગત અધિકારો ધરાવતા જૂથોને આ કાયદાની જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે.