સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત સરકારની મોટી કાર્યવાહી: એક જ દિવસમાં બે IAS અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત

ગુજરાત સરકારની મોટી કાર્યવાહી: એક જ દિવસમાં બે IAS અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત

ગુજરાત સરકારે 'ઓપરેશન ગંગાજળ' અંતર્ગત એક જ દિવસમાં બે IAS અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કર્યા છે. આ કાર્યવાહીને કારણે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ અને અધિક વિકાસ કમિશનર ગૌરવ દહીયાને તેમની નિવૃત્તિની વય પહોંચતા પહેલા જ સેવામાંથી ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ છેલ્લા પાંચ વર્ષથી સસ્પેન્ડ હતા. તેમની સામે CBI અને ED દ્વારા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગની તપાસ ચાલી રહી છે. જુલાઈ 2022માં CBI દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કર્યા હતા. CBIની ચાર્જશીટ મુજબ, સુરેન્દ્રનગર કલેક્ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન અયોગ્ય લોકોને હથિયાર લાઇસન્સ આપવા, સરકારી જમીનની ફાળવણી અને સરકારી જમીન પરના અતિક્રમણને નિયમિત કરવા બદલ લાંચ લેવાના આરોપો મૂકાયા છે.

કે. રાજેશ એપ્રિલ 2018થી જૂન 2021 દરમિયાન સુરેન્દ્રનગરના કલેક્ટર રહ્યા હતા. આ સમયગાળામાં તેમના વિરુદ્ધ નાણાકીય ગેરરીતિ અને વહીવટી અનિયમિતતાની ફરિયાદો થઈ હતી. CBIએ તપાસ શરૂ કરી અને મે 2022માં તેમની સામે FIR નોંધવામાં આવી હતી. CBIની તપાસમાં રૂ. 98 હજારની લાંચ અને ભેટો અંગે પુરાવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ રકમ તેમના મધ્યસ્થી રફીક મેમણના ખાતામાં જમા કરવામાં આવી હતી. આ કેસમાં ખોટા ઇન્વોઇસ બનાવવાના આરોપો પણ સામે આવ્યા હતા.

CBI તપાસ અંગેના અહેવાલોમાં એવો પણ દાવો થયો હતો કે, કે. રાજેશના કલેક્ટર કાર્યકાળ દરમિયાન ચૂંટણી ખર્ચના ખાતામાં આશરે રૂ. 5 લાખની રકમ વધીને લગભગ રૂ. 5 કરોડ થઈ હતી. તપાસ એજન્સીના સૂત્રોના હવાલાથી અહેવાલોમાં જણાવાયું હતું કે, હથિયાર લાઇસન્સ અને માઇનિંગ-સેન્ડ ક્વેરી લીઝ સંબંધિત અરજદારો પાસેથી મળેલી લાંચની રકમ આ ખાતામાં જમા કરવામાં આવતી હતી.

CBI કેસ બાદ EDએ પણ કે. રાજેશ સામે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. ઓગસ્ટ 2022માં EDએ તેમને કસ્ટડીમાં લીધા હતા. EDએ તેમની અને પરિવારના સભ્યોની સંપત્તિ તથા નાણાકીય વ્યવહારોની તપાસ કરવાની જરૂરિયાત દર્શાવી હતી. ઓક્ટોબર 2022માં EDએ કે. રાજેશ અને સહઆરોપી રફીક મેમણ સામે PMLA કોર્ટમાં પ્રોસિક્યુશન ફરિયાદ પણ દાખલ કરી હતી. EDના જણાવ્યા મુજબ, સરકારી ફરજ બજાવવાના બદલામાં સામાન્ય લોકો પાસેથી ગેરકાયદે લાભ લેવાના આરોપોની તપાસ કરવામાં આવી હતી.

કે. રાજેશ ગુજરાત કેડરના 2011 બેચના IAS અધિકારી છે અને મૂળ આંધ્રપ્રદેશના છે. તેમણે પોંડિચેરી સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાં B.Tech કર્યું હતું અને UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં 2010માં 103મો રેન્ક મેળવ્યો હતો. ગુજરાતમાં જૂનાગઢમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત બાદ સુરતમાં આસિસ્ટન્ટ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ ફરજ બજાવી હતી. ત્યારબાદ તેઓ સુરેન્દ્રનગરના કલેક્ટર બન્યા હતા.

અધિક વિકાસ કમિશનર તરીકે કાર્યરત ગૌરવ દહીયા સામે પણ સરકારે કડક કાર્યવાહી કરી તેમને ફરજિયાત નિવૃત્ત કર્યા છે. ગુજરાત કેડરના 2010 બેચના IAS અધિકારી ગૌરવ દહીયા અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે. 2019માં તેમના પર એક મહિલાએ છેતરપિંડી અને ક્રિમિનલ ઇન્ટિમિડેશન સહિતના આરોપો લગાવ્યા બાદ રાજ્ય સરકારે તપાસ કમિટી બનાવી હતી અને બાદમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેઓ લગભગ ચાર વર્ષ સસ્પેન્શન હેઠળ રહ્યા બાદ જુલાઈ 2023માં ફરી સેવામાં પરત આવ્યા હતા અને અધિક વિકાસ કમિશનર તરીકે જવાબદારી સોંપાઈ હતી. હવે 1 ઓક્ટોબર 2026ના રોજ સેવા સમીક્ષા બાદ તેમને ફરજિયાત નિવૃત્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.