સત્ય. સાહસ. સંકલ્પ.

આદિવાસી વોટબેંકની ચિંતામાં ભાજપ: છોટાઉદેપુરમાં 465 બસો દોડાવી, પણ ભીડ ઓછી

આદિવાસી વોટબેંકની ચિંતામાં ભાજપ: છોટાઉદેપુરમાં 465 બસો દોડાવી, પણ ભીડ ઓછી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકારને આદિવાસી મતદારો દૂર થવાની ચિંતા સતાવી રહી છે. જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારોમાં ભાજપને નબળો પ્રતિસાદ મળ્યો છે અને સરકાર વિરોધી આંદોલન પણ ચાલી રહ્યું છે. આ પરિસ્થિતિમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓનો કાફલો છોટાઉદેપુર પહોંચ્યો હતો. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં 30,000થી વધુ લોકોને એકઠા કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો, જે માટે 465 એસટી બસો દોડાવવામાં આવી હતી.

સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર, સામાન્ય દિવસોમાં દૂરસ્થ ગામોમાં વિદ્યાર્થીઓ કે દર્દીઓ માટે એક બસ મળવી મુશ્કેલ હોય છે, પરંતુ આ કાર્યક્રમ માટે રાતોરાત 465 બસોની વ્યવસ્થા કરવામાં આવી. જિલ્લા વિકાસ અધિકારીથી લઈને તલાટીઓ સુધી ભીડ એકઠી કરવાની જવાબદારી સોંપાઈ હતી અને સવારે 8 વાગ્યે લોકોને લઈને બસો રવાના કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, સ્થાનિકોનો દાવો છે કે ડુંગરાળ વિસ્તારના ઘણા ગામોમાંથી નીકળેલી બસોમાં માત્ર 2થી 10 લોકો જ બેઠેલા જોવા મળ્યા હતા.

કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આ મુદ્દે કહ્યું કે, છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં આદિવાસી વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો અભાવ છે. તેમણે જણાવ્યું કે, ઘણા આદિવાસી ગામોમાં પાકા રસ્તા નથી, શાળાઓમાં પૂરતા શિક્ષકો અને વર્ગખંડો નથી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ડૉક્ટરો અને સ્ટાફની અછત છે. સગર્ભા મહિલાઓને સારવાર માટે ઝોળીમાં લઈ જવી પડે છે અને બાળકોમાં કુપોષણનો દર ચિંતાજનક છે. સ્થાનિક રોજગારીના અભાવે યુવાનોને હિજરત કરવી પડે છે.

ઉલ્લેખનીય છે કે, સરકારે હવે દરેક મંત્રીને આદિવાસી વિસ્તારોમાં ત્રણ દિવસ રહેવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પણ આદિવાસી વિસ્તારોમાં રાતવાસો કર્યો છે. આ પગલાં સરકારની ચિંતા દર્શાવે છે.