સત્ય. સાહસ. સંકલ્પ.

આદિવાસી પ્રમાણપત્રના નિયમોમાં ફેરફારની માંગ, શંકરસિંહ વાઘેલાએ કહ્યું- માતા-પિતા બંને આદિવાસી હોય તેને જ ગણવો

આદિવાસી પ્રમાણપત્રના નિયમોમાં ફેરફારની માંગ, શંકરસિંહ વાઘેલાએ કહ્યું- માતા-પિતા બંને આદિવાસી હોય તેને જ ગણવો

ગુજરાતમાં અસલી અને નકલી આદિવાસીના મુદ્દે ફરી રાજકીય ચર્ચા તેજ બની છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આદિવાસી પ્રમાણપત્રો અને અનામતના લાભોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે કેટલાક લોકો બનાવટી આદિવાસી બનીને અનામત સહિતના લાભો મેળવી રહ્યા છે, જેના કારણે ખરેખર આદિવાસી સમુદાયના હકો પર અસર થઈ રહી છે.

વાઘેલાએ આદિવાસી પ્રમાણપત્ર આપવાના નિયમોમાં ફેરફાર કરવાની માંગ સાથે કહ્યું કે માતા અને પિતા બંને આદિવાસી હોય તેવી વ્યક્તિને જ આદિવાસી તરીકે માન્યતા આપવી જોઈએ. જન્મના આધારે આદિવાસી પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થા બંધ કરવાની પણ તેમણે રજૂઆત કરી છે. આદિવાસીઓના હકોનું રક્ષણ થાય તે માટે પ્રમાણપત્રના નિયમોમાં ફેરફાર જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે.

બીજી તરફ અસલી અને સર્ટિફિકેટધારી આદિવાસીઓનો મુદ્દો ફરી રાજકીય મંચ પર ગુંજ્યો છે. ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા જનજાતીય દિવસના કાર્યક્રમમાં ભાજપના શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ જેઠા ભરવાડના નિવેદનથી રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. મંચ પરથી ધારાસભ્ય જેઠા ભરવાડે સ્પષ્ટ કર્યું કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સર્ટિફિકેટવાળા આદિવાસીઓને ભાજપ સમર્થન નહીં કરે. તેમણે કહ્યું કે જે સાચા આદિવાસી છે તેને ભાજપનું સમર્થન છે અને સાચા આદિવાસીને અન્યાય થાય તે વાજબી નથી. સાથે જ સર્ટિફિકેટવાળા આદિવાસીઓને પણ તેમણે કહ્યું કે તે ચૂંટણી લડે તે વાજબી નથી. અનામત બેઠક પર જો કોઈ નહીં હોય તો અમે મદદ કરીશું, એની જરૂરી વ્યવસ્થા પણ કરીશું, પરંતુ ખોટા આદિવાસીઓને ક્યારેય સમર્થન નહીં કરાય.