ગાંધીનગર: ગુજરાત પોલીસે ઑગસ્ટ મહિનામાં રાજ્યવ્યાપી ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરી હતી. આ દરમિયાન રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગ સહિતના નિયમભંગના 74,242 કેસ નોંધાયા હતા. પોલીસે આ કેસમાંથી ₹5.33 કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે.
મળતી માહિતી મુજબ, 1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ દરમિયાન ચલાવાયેલી આ ડ્રાઇવમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગના 36,159 કેસ નોંધાયા હતા, જેમાંથી ₹3.64 કરોડ દંડ વસૂલવામાં આવ્યો. ઓવર સ્પીડિંગના 38,083 કેસમાંથી ₹1.69 કરોડ દંડ વસૂલાયો. આ સિવાય ગેરકાયદે પાર્કિંગના પણ 5,078 કેસ નોંધાયા, જેમાં 580 વાહનો સામે સીધી કાર્યવાહી કરવામાં આવી.
હવે પોલીસે આગામી 1 સપ્ટેમ્બરથી 14 ઑક્ટોબર સુધી નંબર પ્લેટ વગરના, વાળેલી કે અયોગ્ય ફોન્ટવાળી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરી છે. પોલીસ વડાના આદેશ બાદ આ ઝુંબેશ રાજ્યભરમાં ચલાવવામાં આવશે.
પોલીસના જણાવ્યા અનુસાર, વાહન ચોરી, ગુનાખોરી અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વાહનની સચોટ ઓળખ જરૂરી છે. ઘણા વાહનચાલકો નંબર પ્લેટ સાથે છેડછાડ કરે છે, જે ગંભીર બાબત છે. આ ઝુંબેશથી નિયમભંગ કરનારાઓમાં ભય પેદા થશે અને ટ્રાફિક વ્યવસ્થા સુધરશે.