UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાના નિર્ણય સામે ગુજરાતના વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. દેશભરમાં આજે 'નો UPI ડે' ઉજવવામાં આવ્યો, જેમાં રાજ્યના અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને જૂનાગઢ જેવા મોટા શહેરોના વેપારીઓ જોડાયા હતા.
નવા નિયમ મુજબ, બે હજારથી વધુની પસંદગીના મર્ચન્ટ પેમેન્ટ પર ૦.૪ ટકા અને કેપિટલ માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ તથા શેરબજાર સંબંધિત ટ્રાન્ઝેક્શન પર ૦.૦૨ ટકા MDR નક્કી કરવામાં આવ્યો છે. આ નિયમ ૧૫ ઓક્ટોબરથી અમલમાં આવશે.
વિરોધના ભાગરૂપે રાજ્યના આશરે ૬૦૦ વેપારી યુનિયનોએ આજે UPI ટ્રાન્ઝેક્શન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. વેપારીઓએ તેમના QR કોડ મશીન અને બોર્ડ પર કાળું કપડું ઢાંકી દીધું હતું અને દુકાનો પર 'સોરી ફોર ટુડે UPI'ના પોસ્ટર લગાવ્યા હતા.
વેપારીઓએ જણાવ્યું કે બે હજારથી વધુની UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગુ થવાથી તેમને નુકસાન થશે. તેમનું કહેવું છે કે જો ચાર્જ દૂર નહીં કરવામાં આવે તો અંતે ગ્રાહકો પર વધારાનો બોજ આવી શકે છે. વેપારીઓએ સરકારને ૧૫ ઓક્ટોબર પહેલા તેમના હિતમાં નિર્ણય લેવાની માંગ કરી છે.