સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર મનપામાં ભાજપની હેટ્રિક, અમદાવાદમાં લિફ્ટ દુર્ઘટના સહિતની ટોપ 10 ઘટનાઓ

ગાંધીનગર મનપામાં ભાજપની હેટ્રિક, અમદાવાદમાં લિફ્ટ દુર્ઘટના સહિતની ટોપ 10 ઘટનાઓ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. 44 બેઠકોમાંથી ભાજપે 38 બેઠકો જીતીને સતત ત્રીજી વાર વિજય મેળવ્યો છે. કોંગ્રેસને 5 બેઠકો મળી છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP)ને એક પણ બેઠક મળી નથી.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક દુર્ઘટના સામે આવી છે. ગજાનંદ સ્ટીલ કારખાનામાં માલસામાનની ખુલ્લી લિફ્ટ નીચે જોયા વગર ચાલુ કરવામાં આવતાં એક મહિલા શ્રમિકના માથા પર પડી, જેમાં તેમનું મોત થયું. પોલીસે કારખાનાના માલિક અને કામદાર સામે બેદરકારીનો ગુનો નોંધ્યો છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવાના માર્ગને પહોળો કરવા માટે 75થી વધુ રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા છે. આગામી કોમનવેલ્થ રમતોત્સવ પહેલા ડિમોલિશન હાથ ધરાયું છે. અસરગ્રસ્તોને નવા મકાનો ફાળવવાની જાહેરાત કરાઈ છે.

રાજકોટમાં સોમવારે રાત્રે 28 વર્ષના યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી. 150 ફૂટ રિંગ રોડ પર જૂની અદાવતના સમાધાન સમયે ચાર લોકોએ ભેગા મળીને યુવક પર છરીના 6થી 7 ઘા કર્યા હતા.

સુરતમાં ડો. હર્ષ આપઘાત કેસમાં પોલીસે વધુ એકની ધરપકડ કરી છે. આરોપી ડો. અનુજ મહેશ્વરીને દબોચી લેવાયો છે, જ્યારે ડો. નિરાલી હજુ પણ ફરાર છે. અગાઉ બે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.

વસ્ત્રાલમાં મામાએ ભાણિયાની હત્યા કરી છે. મજાક-મસ્તી બાબતે ઠપકો આપતાં ભાણાએ મામા, મામી અને અન્ય એક યુવક પર ચપ્પુથી હુમલો કર્યો હતો. વળતા હુમલામાં મામાએ ભાણાની હત્યા કરી.

કોસંબા નજીક આવેલી ઝાયડેક્સ કંપની સાથે 1.03 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ છે. ડિરેક્ટર અજય રાનકાના નામે વોટ્સએપ પ્રોફાઇલ બનાવીને 5 બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવી લેવાયા હતા.

ગરબા સંબંધિત બે ઘટનાઓમાં વિવાદ સર્જાયો છે. સુરતના સરસાણા ખાતે આવેલા AC ડોમમાં યોજાયેલા 'OG નવરાત્રિ'માં બજરંગ દળે લઘુમતી સમાજના બાઉન્સર્સ રાખવાનો મુદ્દો ઉઠાવીને હોબાળો મચાવ્યો. પોલીસ બોલાવવામાં આવી અને સુરક્ષા એજન્સી બદલવાની માગ કરાઈ. આજે પોલીસ સાથે બેઠક યોજાવાની છે.

અમદાવાદમાં જીગરદાન ગઢવીની 'સાચી નવરાત્રિ'માં બીજા નોરતે ગરબા ન થતાં ખેલૈયાઓમાં નારાજગી ફેલાઈ. NOCના વિવાદ બાદ ગરબા યોજાયા ન હતા. આયોજકોએ રિફંડની જાહેરાત કરી છે.

ચૂંટણીલક્ષી કામગીરીની તારીખ બદલવાની માગ સાથે શિક્ષક મંડળે કલેકટર અને ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે. 18 ઓક્ટોબરે ચૂંટણીલક્ષી કામગીરી સોંપાતાં 2 હજારથી વધુ શિક્ષકો પરિવાર સાથે ઉજવણી કરી શકે તે માટે તારીખમાં ફેરફાર કરવા વિનંતી કરાઈ છે.