ગુજરાતમાં તમાકુના વપરાશે ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. ભારત સરકારના તાજેતરના અહેવાલ મુજબ, રાજ્યની 19.2 ટકા વસતી તમાકુની બંધાણી બની ચૂકી છે. આ પ્રમાણ પંજાબ, દિલ્હી, ગોવા અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યો કરતાં પણ વધુ છે.
અહેવાલના આંકડા દર્શાવે છે કે 15 વર્ષથી વધુ ઉંમરના લોકો આ જીવલેણ વ્યસનનો ભોગ બન્યા છે. તેમાં પણ 45થી 65 વર્ષની વયજૂથમાં તમાકુનું વ્યસન સૌથી વધુ જોવા મળ્યું છે. પરિવારના મોભી ગણાતા આ વયના લોકો ગંભીર બીમારીનો ભોગ બને તો તેની અસર સમગ્ર પરિવારના આર્થિક અને સામાજિક માળખા પર પડે છે.
ગુજરાતમાં બીડી-સિગારેટ પીનારાઓની ટકાવારી 25.1 છે. પરંતુ તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે અહીં ગુટખા અને મિશ્રિત તમાકુ ખાનારાઓનું પ્રમાણ સૌથી વધુ છે. સિગાર અને છીંકણીનો ઉપયોગ પ્રમાણમાં ઓછો છે. ચાવવાની તમાકુ સીધી મોંના સંપર્કમાં આવતી હોવાથી તે વધુ ઘાતક સાબિત થઈ રહી છે.
આ વપરાશનું પરિણામ હવે ગુજરાતની હોસ્પિટલોમાં દેખાઈ રહ્યું છે. રાજ્યમાં મોઢાના કેન્સર (ઓરલ કેન્સર)નું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે. કેન્સર હોસ્પિટલોમાં આવતા ઓરલ કેન્સરના દર્દીઓમાં મોટાભાગના કેસ ગુટખા અને તમાકુના સેવનને કારણે જ હોવાનું સામે આવ્યું છે. શરૂઆતના લક્ષણોને અવગણવાના કારણે આ બીમારી જીવલેણ સાબિત થઈ રહી છે.
જાગૃતિ અને સમયસરની સારવાર વગર રાજ્યની યુવા પેઢી કેન્સર જેવા અસાધ્ય રોગની ગર્તામાં ધકેલાઈ શકે છે તેવી ચિંતા સ્વાસ્થ્ય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.