સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં ત્રણ અકસ્માત: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં પાંચના મોત

ગુજરાતમાં ત્રણ અકસ્માત: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં પાંચના મોત

ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ થયેલા ત્રણ ગંભીર માર્ગ અકસ્માતમાં કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ડાંગના આહવા-વઘઈ રોડ પર કાર ખાપરી નદીમાં ખાબકતાં બે લોકોના મોત થયા છે. બનાસકાંઠાના અમીરગઢમાં કાર અને બાઇક વચ્ચેની ટક્કરમાં બે લોકોના જીવ ગયા છે. દ્વારકાના ઓખા મઢી ટોલ પ્લાઝા નજીક બાઇક ડિવાઇડર સાથે અથડાતાં એક યુવકનું મોત નીપજ્યું છે.

ડાંગ જિલ્લાના આહવા-વઘઈ માર્ગ પર વહેલી સવારે થયેલા અકસ્માતમાં કાર રેલિંગ તોડીને ખાપરી નદીમાં ખાબકી હતી. આ ઘટનામાં બે વ્યક્તિઓનાં મોત નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો છે. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે વહેલી સવારે લગભગ ચાર વાગ્યે GJ 18 EA 5480 નંબરની કાર આહવા-વઘઈ માર્ગ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે કાર માર્ગની રેલિંગ તોડીને ખાપરી નદીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી નદીમાંથી કાર બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

આ અકસ્માતમાં સંદીપભાઈ એમ. ડામોર અને શૈલેષભાઈ ગરાસિયાનાં મોત નીપજ્યાં છે. જ્યારે સોનુભાઈ બારિયાનો અકસ્માતમાં બચાવ થયો છે. ભવાડી ગામના વતની ગણેશભાઈ ગંગારામભાઈ નિબારેએ સોનુભાઈ બારિયાનો જીવ બચાવવામાં મદદ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા ઘાટા કપાસિયા રોડ પર કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. કાર ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઇક પર સવાર બંને લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. અકસ્માત કરીને ભાગવા જતાં કાર ચાલકની અમીરગઢ પોલીસે અટકાયત કરી લીધી છે અને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

દ્વારકાના ઓખા મઢી ટોલ પ્લાઝા નજીક બીજો અકસ્માત થયો હતો. ભોગાત ગામ તરફથી દ્વારકા તરફ આવી રહેલા બાઇક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં બાઇક પૂરઝડપે ડિવાઇડર સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ભોગાત ગામના રહેવાસી બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ ઓખા મઢી ટોલ પ્લાઝાનો સ્ટાફ તાત્કાલિક મદદ માટે સ્થળ પર પહોંચ્યો હતો.